ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન 137 કોલેજો માટે ઓનલાઈન પ્રવેશ રજિસ્ટ્રેશન 11 જુન સુધી કરી શકાશે
અમદાવાદઃ ગુજરાતમાં ધોરણ 10 અને 12ના પરિણામો જાહેર થતાં જ શાળા-કોલેજોમાં હાલ પ્રવેશની મોસમ ચાલી રહી છે. ડિગ્રી-ડિપ્લોમા ઈજનેરી, ફાર્મસી તેમજ આર્ટ્સ કોમર્સ, અને સાયન્સની કોલેજોમાં પ્રથમ વર્ષ માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન ચાલુ થઈ ગયું છે. જેમાં ગુજરાત યુનિવર્સિટી એડમિશન કમિટીએ પ્રથમ વર્ષ કોમર્સ (બીકોમ, બીબીએ, બીસીએ-ઓનર્સ), એમએસસી (સીએ એન્ડ આઈટી), એમબીએ (ઇન્ટિગ્રેટેડ) કોર્સિસની સંલગ્ન 137 કોલેજોની 41,420 બેઠકો પર પ્રવેશના કાર્યક્રમની જાહેરાત કરી છે. ઓનલાઈન રજિસ્ટ્રેશન પ્રક્રિયા 11 જૂન સુધી ચાલશે.
ગુજરાત યુનિવર્સિટી દ્વારા પ્રથમ વર્ષ કોમર્સ (બીકોમ, બીબીએ, બીસીએ-ઓનર્સ), એમએસસી (સીએ એન્ડ આઈટી), એમબીએ (ઇન્ટિગ્રેટેડ) કોર્સિસની સંલગ્ન 137 કોલેજોની 41,420 બેઠકો માટે ઓન લાઈન રજિસ્ટ્રેશનનો પ્રારંભ કરી દેવાયો છે. 11મી જુન સુધી વિદ્યાર્થીઓ પ્રવેશ માટે રજિસ્ટ્રેશન કરી શકશે. ત્યારબાદ આ પ્રવેશ પ્રક્રિયાના ભાગરૂપે 17 જૂને પ્રોવિઝનલ મેરિટ યાદીની જાહેરાત કરાશે, જ્યારે પ્રોવિઝનલ મેરિટ યાદીમાં કોઈ પણ ભૂલ હોય તો વિદ્યાર્થીઓ 18 જૂનથી 19 જૂન સુધીમાં ફેરફાર કરાવી શકશે, જ્યારે 23 જૂને ફાઈનલ મેરિટ યાદી અને એલોટમેન્ટની જાહેરાત કરાશે. ઓનલાઈન રજિસ્ટ્રેશન ફી ચુકવણી સાથે,ચોઈસ ફિલિંગ, ઓનલાઈન 31મેથી 11 જૂન સુધી કરી શકાશે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં ડિપ્લોમા અને ડિગ્રીના વિવિધ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે ઓનલાઈન રજિસ્ટ્રેશનનો પ્રારંભ કરાયો છે. શૈક્ષણિક વર્ષ 2023-24ના વર્ષ માટે ડિપ્લોમા ઈજનેરીના બીજા વર્ષ (ત્રીજા સત્ર)માં પ્રવેશ માટેના રજિસ્ટ્રેશનનો તબક્કો પૂર્ણ કર્યો છે, જે અંતર્ગત કુલ 3054 વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. બીજી તરફ વધુ ને વધુ માત્રામાં વિદ્યાર્થીઓ રજિસ્ટ્રેશન કરાવી શકે તે માટે રજિસ્ટ્રેશન માટેની અંતિમ તારીખ 7 જૂનથી વધારીને 13 જૂન સુધી કરાઈ છે.