અમદાવાદઃ દિવાળી વેકેશન બાદ ગુજરાતની તમામ સરકારી યુનિવર્સિટીઓમાં શૈક્ષણિક વર્ષ 2023-24નું અંડર ગ્રેજ્યુએટનું પહેલું સેમેસ્ટર પૂર્ણ થવા આવ્યું છે. ત્યારે શિક્ષણ વિભાગે નવા શૈક્ષણિક વર્ષ 2024-25ના અંડર ગ્રેજ્યુએટના પહેલા સેમેસ્ટરના એડમિશન તૈયારીઓ શરૂ કરી દીધી છે. વર્ષ 2024-25થી રાજ્યની તમામ સરકારી યુનિવર્સિટીઓ તેમજ સંલગ્ન કોલેજોમાં એડમિશન લેવા માટે વિદ્યાર્થીઓએ ઓનલાઈન એક જ ફોર્મ ભરવાનું રહેશે. વિદ્યાર્થીઓ ગમે તે યુનિવર્સિટી કે કોલેજોમાં પ્રવેશ મેળવી શકશે. શિક્ષણ વિભાગ આગામી ડિસેમ્બર મહિનામાં કોમન એડમિશન પોર્ટલ લોન્ચ કરશે. આ પોર્ટલનું નામ ‘ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ’ છે. આ નવા પોર્ટલને અપડેટ કરવા માટે શિક્ષણ વિભાગે યુનિવર્સિટીઓ પાસે વિભાગો અને કોલેજોની બેઠક સહિતની માહિતી મગાવી હતી. જેમાં કેટલીક યુનિવર્સિટીઓએ અધૂરી માહિતી મોકલતા શિક્ષણ વિભાગે તે માહિતી તાકીદે મોકલવા આદેશ કર્યો છે. એટલું જ નહીં, તમામ યુનિવર્સિટીઓને એડમિશન પોર્ટલ પર મૂકવા માટેના સારા ફોટોની સાથે સાથે યુનિવર્સિટીના ખાસિયતો અને કોર્સ સહિતની માહિતી પણ મગાવી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત યુનિવર્સિટી સહિત તમામ સરકારી યુનિવર્સિટીઓમાં આગામી નવા શૈક્ષણિક વર્ષથી કોમન પ્રવેશ પદ્ધતિથી પ્રવેશ અપાશે. શિક્ષણ વિભાગ દ્વારા એક પોર્ટલ બનાવવામાં આવી રહ્યું છે. વિદ્યાર્થીઓએ પ્રવેશ માટે માત્ર એક જ ફોર્મ ભરવાનું રહેશે. અને ગમે તે યુનિવર્સિટી કે કોલેજમાં પ્રવેશ મેળવી શકશે. ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ પોર્ટલને આવતા મહિને લોન્ચ કરવામાં આવશે. જેમાં તમામ યુનિવર્સિટી અને અભ્યાસક્રમોની માહિતી આપવામાં આવશે. નવી શિક્ષણ નીતિ મુજબ સ્નાતક અને અનુસ્નાતકના અભ્યાસક્રમમાં પ્રવેશ અપાશે. શિક્ષણ વિભાગ દ્વારા 2024-25માં ઓનલાઈન એડમિશન માટે યુનિવર્સિટીઓ પાસેથી વિગતો મગાવી છે, જો કે, મોટાભાગની યુનિવર્સિટીઓને એક જ પ્રશ્ન નડી રહ્યો હતો કે, અધર યુનિવર્સિટીઓના વિદ્યાર્થીઓ રાજ્યની યુનિવર્સિટીમાં એડમિશન મેળવતા હોય છે. જેથી તે વિદ્યાર્થીઓને એડમિશન પોર્ટલની જાણ કઈ રીતે કરવી? તેમજ છેલ્લી ઘડીએ એડમિશન લેવા આવનારા વિદ્યાર્થીઓને એડમિશન કઈ રીતે આપવું? જોકે, આ મામલે શિક્ષણ વિભાગે આગામી દિવસોમાં સ્પષ્ટતા કરશે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, શિક્ષણ વિભાગે યુનિવર્સિટીઓને કડક શબ્દોમાં જણાવ્યું છે કે, કોઈ પણ યુનિવર્સિટી ઓફલાઇન એડમિશન આપી શકશે નહીં. વિદ્યાર્થીઓએ જીસીએએસ પોર્ટલથી જ એડમિશન મેળવવાનું રહેશે. આઇસીસીઆરથી એડમિશન મેળવનારા વિદ્યાર્થીઓએને સુપર ન્યૂમેરિકલ બેઠક પર એડમિશન આપવાની શક્યતા છે. જેની શિક્ષણ વિભાગ આગામી દિવસોમાં સ્પષ્ટતા કરશે. ધો.12 પાસ થનારા વિદ્યાર્થીએ પહેલા જીસીએએસ પોર્ટલ પર જઈને એડમિશન ફોર્મ ભરવાનું રહેશે, ઓનલાઇન ફીની ચૂકવણી કરીને યુનિવર્સિટી, કોલેજ અને કોર્સ પસંદ કરવાનો રહેશે. ત્યારબાદ શિક્ષણ વિભાગ દ્વારા યુનિવર્સિટી અને કોલેજોને મેરિટ લિસ્ટ મોકલી આપશે. અંતે કોલેજોએ મેરિટ અનુસાર રાઉન્ડ બહાર પાડવાના રહેશે. અહીં યુનિવર્સિટીએ મેરિટ લિસ્ટ મળ્યા પછી વિદ્યાર્થી કેટેગરી અનુસાર જુદા પાડીને કોલેજોને મેરિટ લિસ્ટ મોકલવાની રહેશે. ત્યાર બાદ વિદ્યાર્થીઓને મેરિટના આધારે પ્રવેશ મળશે.