Site icon Revoi.in

ભક્તો માટે હેલિકોપ્ટરનું ઓનલાઈન બુકિંગ શરૂ,શ્રાઈન બોર્ડે ભાડું ન વધાર્યું

Social Share

શ્રીનગર : અમરનાથ યાત્રા 2023 માટે હેલિકોપ્ટરની ઓનલાઈન બુકિંગ સેવા ગુરુવારથી શરૂ થઈ ગઈ છે. આ સેવા શ્રીનગર, બાલટાલ અને પહેલગામથી ઉપલબ્ધ થશે. આ સેવા શરૂ થવાથી ખાસ કરીને વૃદ્ધોને રાહત મળશે. આ સિવાય જેમની પાસે સમય ઓછો છે તેઓ પણ તેનો લાભ લઈ શકે છે. જોકે આ વખતે ઓનલાઈન હેલિકોપ્ટર બુકિંગ સેવા મોડી શરૂ થઈ રહી છે.

આ વખતે રાહતની વાત એ છે કે અમરનાથ શ્રાઈન બોર્ડે હેલિકોપ્ટરની ટિકિટના દરમાં વધારો કર્યો નથી, ટિકિટ માત્ર ગયા વર્ષના પાસ પર જ મળશે. બોર્ડ સાથે જોડાયેલા સૂત્રોના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં અઢી લાખથી વધુ શ્રદ્ધાળુઓએ એડવાન્સ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. હેલિકોપ્ટરનું બુકિંગ અધિકૃત એજન્ટો અને અમરનાથ શ્રાઈન બોર્ડની સત્તાવાર વેબસાઈટ દ્વારા કરવામાં આવશે.

બોર્ડના જણાવ્યા અનુસાર બાલટાલ રૂટ માટે ગ્લોબલ વેક્ટ્રા હેલિકોપ લિમિટેડ અને એરો એરક્રાફ્ટ પ્રાઈવેટ લિમિટેડની સેવાઓ લેવામાં આવી રહી છે. જેમાં એક માર્ગ માટે પ્રત્યેક યાત્રી પાસેથી 2800 રૂપિયા અને બંને માર્ગો માટે પ્રતિ વ્યક્તિ 5600 રૂપિયા લેવામાં આવશે. એ જ રીતે હેરિટેજ એવિએશન પ્રાઈવેટ લિમિટેડની સેવાઓ પહેલગામ રૂટ માટે લેવામાં આવી રહી છે.

જેમાં એક યાત્રી પાસેથી એક માર્ગ માટે 4200 રૂપિયા અને બંને માર્ગો માટે 8400 રૂપિયા લેવામાં આવશે. આ સિવાય શ્રીનગરથી પવિત્ર ગુફા સુધી ઓપરેટર એમએસ પવન હંસ લિમિટેડની સેવાઓ લેવામાં આવશે. જેમાં શ્રીનગર-પહલગામ-શ્રીનગર રૂટ માટે 10800 રૂપિયા અને શ્રીનગર-નીલગ્રથ-શ્રીનગર રૂટ માટે 11700 રૂપિયાનું ભાડું લેવામાં આવશે.

આ વખતે અમરનાથ યાત્રા 1લી જુલાઈથી શરૂ થઈ રહી છે. 62 દિવસની આ યાત્રામાં પ્રથમ વખત વિક્રમી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચે તેવી અપેક્ષા છે. લખનપુરથી કાશ્મીરની યાત્રાની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. મુસાફરોની સુરક્ષા સહિત અન્ય પાયાની જરૂરિયાતોને વધુ મજબૂત કરવામાં આવી રહી છે.