ખેડુતોને ખેત તલાવડીમાં પ્લાસ્ટિક લેયરની યોજના માટે મળેલી અરજીઓનો ઓનલાઈન ડ્રો યોજાયો
ગાંધીનગરઃ રાજ્યના ખેડૂતોને ખેત તલાવાડીમાં પ્લાસ્ટીક લેયર ફીટ કરી આપવાની યોજના અન્વયે 40 તાલુકાઓની 2636 અરજીઓનો જળ સંપત્તિ મંત્રી કુંવરજી બાવળીયાના હસ્તે ગાંધીનગર ખાતે ઓનલાઈન ડ્રો યોજાયો હતો. જેના પરિણામો વિભાગની વેબસાઈટ પર મુકવામાં આવ્યા છે. આ સિવાયના બાકી રહેતા તાલુકાઓમાં મળેલી અરજીઓ પૈકી પ્રાથમિક ચકાસણી બાદ પાત્રતા ધરાવતા તમામ અરજદારોની અરજીઓ મંજૂર કરવામાં આવશે
રાજ્યમાં પાણીની અછત ધરાવતા 10 જિલ્લાના 86 તાલુકાઓમાં આશરે રૂ. 38 કરોડનાં ખર્ચે ખેત તલાવાડીમાં 27.30 લાખ ચો.મી.જથ્થામાં જીઓમેમ્બ્રેન-500 માઈક્રોનના પ્લાસ્ટીક લેયર ફીટ કરી આપવાની યોજના અન્વયે ખેડૂત ખાતેદારો દ્વારા ઓનલાઈન અરજી કરવામાં આવી હતી. આ અરજીઓના અનુસંધાને આજે તા.23 જાન્યુઆરી 2024ના રોજ મળેલી અરજીઓ પૈકી 40 તાલુકાઓમાં 2636 અરજીઓનો જળ સંપત્તિ મંત્રી કુંવરજી બાવળીયાની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે ઓનલાઈન ડ્રો યોજવામાં આવ્યો હતો.
જળસંપત્તી મંત્રી બાવળિયાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, સમગ્ર યોજનાથી અંદાજે આશરે 100 લાખ ઘન મીટર વરસાદી પાણીનો સંગ્રહ થશે જેના થકી 2400 હેકટર વિસ્તારને સપાટી જળથી સિંચાઈનો લાભ થશે અને ભૂગર્ભ જળનું ખેચાણ ઘટતા આ વિસ્તારોમાં ભૂગર્ભ જળની સ્થિતિમાં સુધારો થશે.
આ ઓનલાઈન ડ્રો કરાયો જેના પરિણામો પણ વિભાગની વેબસાઈટ પર ઉપલબ્ધ છે. આ સિવાયના બાકી રહેતા તાલુકાઓમાં મળેલી અરજીઓ પૈકી પ્રાથમિક ચકાસણી બાદ પાત્રતા ધરાવતા તમામ અરજદારોની અરજીઓ મંજૂર કરવામાં આવશે. આ પ્રસંગે ડીસાના ધારાસભ્ય તેમજ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિતિમાં રહ્યા હતા. આ યોજનાનો લાભ લેવા માટે જે ખેડુતોએ અરજી કરી છે. તે ખેડુતો વેબસાઈટ પરથી માહિતી મેળવી શકશે.