ગાંધીનગરઃ ગુજરાતમાં પ્રાથમિક શાળાઓમાં શિક્ષક બનવા માટે ટીચર્સ એલિજિબિટી ટેસ્ટ યાને ટાટ પરીક્ષાના મેરીટને આધારે ભરતી કરવામાં આવતા હોય છે. એટલે બીએડ થયેલા હોય કે પીટીસી થયેલા દરેકે ટાટ માટેની પરીક્ષા આપવી પડે છે. ત્યારે ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા TATની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કર્યો છે. આ માટે રાજ્ય પરીક્ષા બોર્ડે જાહેરાત કરી છે. TAT પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો આજથી ઓનલાઈન ફોર્મ ભરી શક્શે. આ વર્ષથી નવી શિક્ષણ નીતિ મુજબ TATની બે પરીક્ષા લેવામાં આવશે. ધોરણ 9થી 12મા શિક્ષક બનવા માટે ટાટ પરીક્ષા પાસ કરવાની હોય છે.
રાજ્ય પરીક્ષા બોર્ડના સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યમાં શિક્ષક અભિરુચિ કસોટી TATની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. રાજ્યમાં TATની પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો આજથી ઓજસમાં ઓનલાઈન ફોર્મ ભરવા શક્શે. ઉમેદવારો આગામી 20મી તારીખ સુધી ફોર્મ ભરી શક્શે. આ વર્ષથી શિક્ષકોની ભરતી માટે લેવાતી પરીક્ષાના માળખામાં ફેરફાર કરવામાં આવ્યો છે. નવી શિક્ષણ નીતિ પ્રમાણે હવે TATની બે પરીક્ષા લેવામાં આવશે. હવેથી પહેલી પરીક્ષા ક્લિયર કરનારને જ બીજી પરીક્ષામાં પ્રવેશ મળશે. સરકારે શિક્ષકોની ગુણવત્તામાં વધારો કરવા માટે પરીક્ષાની પદ્ધતિમાં ફેરફાર કર્યો છે. આ માટે શિક્ષણ વિભાગે પરિપત્ર જાહેર કર્યો છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, શિક્ષણ વિભાગના પરિપત્ર પ્રમાણે સરકારે નવી શિક્ષણ નીતિ અંતર્ગત શિક્ષકોની ભરતી માટે લેવાતી TATની પરીક્ષાના માળખામાં મહત્વનો ફેરફાર કર્યો છે. શિક્ષકોની ગુણવત્તા વધારવા માટે હવે TATની પરીક્ષા બે વખત લેવામાં આવશે. પહેલાં પ્રિલિમનરી પરીક્ષા અને બાદમાં મુખ્ય પરીક્ષા લેવાશે. આ માટે શિક્ષણ વિભાગે ઠરાવ પસાર પણ કરી દીધો છે. હવેથી નવી શિક્ષણ નીતિ મુજબ બે પરીક્ષાઓ લેવામાં આવશે. પ્રિલિમનરી પરીક્ષા બહુવિકલ્પ હશે જ્યારે મુખ્ય પરીક્ષા વર્ણનાત્મક લેખિત પરીક્ષા લેવામાં યોજાશે.