Site icon Revoi.in

રાજકોટ મ્યુનિ.માં ડેટા સેન્ટરની મરામતને લીધે આજ રાતથી ઓનલાઈન કામગીરીને અસર થશે

Social Share

રાજકોટઃ શહેરના મ્યુનિ.કોર્પોરેશનની મોટાભાગની સેવાઓ ઓનલાઈન આપવામાં આવી રહી છે. નાગરિકો ઘેરબેઠા જ પોતાના વિસ્તારના પ્રશ્નોની ઓનલાઈન ફરિયાદો પણ કરી શકે છે. આ સેવાઓ અવિરત ઉપલબ્ધ બની રહે એવા આશયથી ડેટા સિસ્ટમની સિક્યુરિટી અને મેનેજમેન્ટ વ્યવસ્થિત રીતે થાય તે ખૂબ જરૂરી છે. આ માટે કોઈ ટેક્નિકલ ફોલ્ટ કે ટેકનિકલ આપત્તિ સમયે પૂરેપૂરું ડેટા સેન્ટર બંધ થાય તો ફરીદાબાદ ખાતેના ડેટા સેન્ટરના માધ્યમથી રાજકોટ મ્યુનિ.કોર્પોરેશનની ઓનલાઈન સેવા ચાલુ રહે તે માટે એક મહત્વપૂર્ણ આયોજન કરવામાં આવ્યુ છે. જેના ભાગરૂપે “ડિઝાસ્ટર રિકવરી ડ્રીલ”નું આયોજન રાજકોટ સ્માર્ટ સિટી ડેવલોપમેન્ટ લિ. (RSCDL) દ્વારા કરવામાં આવશે. જેના કારણે આરએમસીની ઓનલાઈન સેવાઓ ખોરવાશે. જેમાં આજે 6 જૂનનાં રાત્રે 11થી 7જૂન સવારે 7 સુધી ઓનલાઈન કામગીરીમાં વિક્ષેપ પડવાની શક્યતા છે.

આરએમસીના સૂત્રોના જણાવ્યા મુજબ  મ્યુનિ.કોર્પોરેશન દ્વારા ડિઝાસ્ટર રિકવરી ડ્રીલનું આયોજન કરાયું છે. તેના લીધે આજે તા. 6 જૂનનાં રાત્રે 11:00 વાગ્યાથી કાલે તા. 7 જૂનનાં રોજ સવારે 7:00 વાગ્યા સુધી આઠ કલાક દરમિયાન મ્યુનિની ઓનલાઈન સેવામાં વિક્ષેપ પડવાની શક્યતા છે. આ બાબતને ધ્યાને રાખીને નાગરિકો તેમના ઓનલાઈન કાર્યોનું પ્લાનિંગ આ સમયગાળા દરમિયાન ન કરે એવી જાહેર અપીલ કરવામાં આવે છે. “ડિઝાસ્ટર રિકવરી ડ્રીલ”નાં આયોજન માટે જ આરએમસીના નાના મવા સર્કલ ખાતેના ઇન્ટીગ્રેટેડ કમાંડ એન્ડ કંટ્રોલ સેન્ટર (ICCC) સ્થિત ટેકનિકલ સેટઅપ જેવું જ સેટઅપ ફરીદાબાદ સ્થિત બી.એસ.એન.એલ.ના ડેટા રિકવરી સેન્ટરમાં પણ ઊભું કરવામાં આવ્યું છે.
​​​“ડિઝાસ્ટર રિકવરી ડ્રીલ” દરમિયાન ચકાસવામાં આવશે કે, નાના મવા સર્કલ ખાતેના ઇન્ટીગ્રેટેડ કમાંડ એન્ડ કંટ્રોલ સેન્ટર (ICCC) સ્થિત ટેકનિકલ સેટઅપમાં કોઈ ક્ષતિ ઉભી થાય તો ફરીદાબાદ ખાતેના ટેકનિકલ સેટઅપનાં માધ્યમથી જે તે ઓનલાઈન સેવા ચાલુ રહે છે કેમ? રાજકોટના ડેટા સેન્ટરમાં કોઈ ટેકનિકલ પ્રોબ્લેમને કારણે જો કોઈ સેવામાં અવરોધ આવે તો ફરીદાબાદ ખાતેના સેટઅપની મદદથી એ સેવા ચાલુ રાખી શકાય તેવો આશય આ “ડિઝાસ્ટર રિકવરી ડ્રીલ”નો છે ત્યારે આ ડ્રીલ દરમિયાન નાગરિકો સહકાર આપે તે જરૂરી છે.