Site icon Revoi.in

ડિપ્લોમાંથી ડિગ્રી ઈજનેરીની 49239 બેઠક માટે આજથી ઓનલાઈન રજીસ્ટ્રેશનનો કરાયો પ્રારંભ

Social Share

અમદાવાદ: રાજ્યમાં ધોરણ 10 અને 12ના પરિણામો જાહેર થતાં જ હાલ શાલા-કોલેજોમાં પ્રવેશની મોસમ ચાલી રહી છે. જ્યારે ડિપ્લામાંથી ડીગ્રી એન્જિનિયરિંગમાં પ્રવેશ માટે આજે તા.1લી જુનથી ઓનલાઈન રજિસ્ટ્રેસનનો પ્રારંભ થયો છે. ડિપ્લોમાંથી ડિગ્રી એન્જિનિયરિંગની જુદી જુદી બ્રાન્ચમાં પ્રવેશ માટે ચાલુ વર્ષે ઉપલબ્ધ 49239 બેઠકો માટે આજે  1લી જૂનથી લઈને 7મી જુલાઈ સુધી ઓનલાઈન રજીસ્ટ્રેશનની પ્રક્રિયાનો પ્રારંભ થયો છે.  ડિપ્લોમાંથી ડિગ્રી ઈજનેરીમાં પ્રવેશ માટે ગુજરાતમાંથી જુદા જુદા 15 બોર્ડ અને યુનિવર્સિટીઓમાંથી ડિપ્લોમા પાસ થયેલા વિદ્યાર્થીઓ અરજી કરી શકશે. પરિણામ બાકી હોય તેવા વિદ્યાર્થીઓ પણ રજીસ્ટ્રેશન કરાવી શકશે તેવી સ્પષ્ટતા પણ પ્રવેશ સમિતિ દ્વારા કરવામાં આવી છે.

પ્રવેશ સમિતિના સૂત્રોના જણાવ્યા મુજબ ડિપ્લોમા ઈજનેરી પાસ કરનારા વિદ્યાર્થીઓને ડિગ્રી ઈજનેરીના સીધા બીજા વર્ષમાં પ્રવેશ ફાળવવામાં આવે છે. આ માટે 10 ટકા બેઠકો અનામત રાખવા ઉપરાંત અગાઉના વર્ષમાં ખાલી પડેલી બેઠકો પણ વિદ્યાર્થીઓને ઓફર કરવામાં આવતી હોય છે. ગત વર્ષે ડિપ્લોમા ઈજનેરીમાંથી ડિગ્રી ઈજનેરી એટલે કે ડી ટુ ડીમાં પ્રવેશ ઈચ્છતાં વિદ્યાર્થીઓને 40459 બેઠકો ઓફર કરવામાં આવી હતી. જેની સામે 14880 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો હતો. ચાલુ વર્ષે 10 ટકા પ્રમાણે 6879 બેઠકો અનામત રાખવામાં આવી છે. આ ઉપરાંત અગાઉના વર્ષમાં ખાલી પડેલી 42360 મળીને કુલ 49239 બેઠકો ડિપ્લોમાંથી ડિગ્રી પ્રવેશ મેળવવા ઈચ્છતા વિદ્યાર્થીઓને ઓફર કરવામાં આવશે.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, આજે તા. 1લી જૂન બપોરે 12 વાગ્યાથી ઓનલાઈન રજીસ્ટ્રેશનનો પ્રારંભ શરૂ કરી દેવાયો છે. જે 7મી જુલાઈ એટલે કે એક માસ સુધી ચાલુ રાખવામાં આવશે. રજિસ્ટ્રેશનની પ્રકિયા પૂર્ણ થયા બાદ તા. 15 જુલાઈએ કોલેજોની વિગતો એટલે કે કઈ કોલેજમાં કેટલી બેઠકો ખાલી પડી છે તે જાહેર કરાશે. 20મી જુલાઈએ પ્રોવિઝનલ મેરિટયાદી જાહેર કરવામાં આવશે. પ્રથમ રાઉન્ડ માટે 29મી જુલાઈથી લઈને 2 ઓગષ્ટ સુધી ચોઈસ ફિલિંગ કરવાનું રહેશે. પ્રવેશ મળ્યા બાદ 5 ઓગષ્ટે પહેલાં રાઉન્ડમાં કોલેજની ફાળવણી કરવામાં આવશે. આ સાથે જ વિદ્યાર્થીઓ 5 ઓગષ્ટથી 10 ઓગષ્ટ સુધીમાં ફી ભરીને પ્રવેશ કન્ફર્મ કરવાનો રહેશે.  પ્રવેશ રદ કરવો હોય તો 6 ઓગષ્ટથી 10 ઓગષ્ટ સુધીમાં વિદ્યાર્થીઓ પ્રવેશ રદ કરાવી શકશે. 11મી ઓગષ્ટના રોજ પહેલાં રાઉન્ડમાં ખાલી પડેલી બેઠકોની વિગતો જાહેર કરાશે. 11મીથી 16મી ઓગષ્ટ વચ્ચે બીજા રાઉન્ડ માટે ચોઈસ ફિલિંગ કરાશે અને 19મીએ કોલેજની ફાળવણી કરાશે. હાલમાં જીટીયુ દ્વારા હજુ છેલ્લાં સેમેસ્ટરની પરીક્ષા પણ બાકી છે. આ સ્થિતિમાં ડિપ્લોમાંથી ડિગ્રી પ્રવેશ શરૂ થતાં વિદ્યાર્થીઓ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી શકશે.