Site icon Revoi.in

શરદી,ઉઘરસ, તાવ અને ઇન્ફેક્શનની દવાનું ઓન લાઈન ધૂમ વેચાણ, કેમિસ્ટ એસો.ની ચેતવણી

Social Share

અમદાવાદ : ગુજરાતમાં કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. ગઈકાલે મંગળવારે રાજ્યમાં 17119 કેસ નોંધાયા હતા. રાજ્યમાં એક્ટિવ કેસનો આંકડો 80 હજારે પહોંચ્યો છે. બીજીબાજુ બદલાયેલા વાતાવરણને કારણે વાયરલ બીમારીએ પણ માથું ઉચક્યું છે. શરદી, ઉધરસ, સામાન્ય તાવના દર્દીઓ તો ઘેર-ઘેર જોવા મળી રહ્યા છે. ત્યારે હવે લોકો ડોક્ટર પાસે જવાને બદલે મેડિકલ સ્ટોરમાં જઈને અથવા ઓનલાઈન શરદી, ઉધરસ, તાવની દવા ખરીદી રહ્યા છે. તેની સામે કેમિસ્ટ એસો.એ ચેતવણી આપી છે કે,ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના દવા ન લેવી જોઈએ તેમજ ઓનલાઈન દવા વેચાણ સામે પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી.

સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યમાં કેટલીક દવાઓની માગમાં વધારો થયો છે. કોરોનાના કેસ વધતા દવાની માગમાં વધારો થયો છે. એઝીથ્રોમાઇસીન, પેરાસીટામોલ જેવી દવાની માંગ વધી છે. વિટામિન સી, ઝીંક જેવી દવાઓની પણ માંગ વધી છે. હોમ આઈસોલેશનમાં રહેલા દર્દીઓ આ દવાનું સેવન કરી રહ્યા છે. લોકો દવાઓનું સેવન જાતે જ કરતા હોવાનું સામે આવ્યું છે. આવામાં ઓનલાઈન દવાનુ વેચાણ વધી ગયુ છે. ઓનલાઇન દવાના વેચાણથી કેમિસ્ટ એસોસિએશન દ્વારા ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.

કેમિસ્ટ એસોસિએશનના સૂત્રોએ જણાવ્યું હતું કે, વિદેશોમાં પણ દવાઓનું વેચાણ ઓનલાઇન થતું જ નથી. ડ્રગ કન્ટ્રોલર ઓફ ઇન્ડિયાએ લેખિતમાં ભારતમાં ઓનલાઇન દવાનાં વેચાણ પર રોક લગાવી છે, તેમજ દિલ્લી અને ચેન્નઈ હાઇકોર્ટ દ્વારા સ્ટે મુકવામાં આવ્યો છે પરંતુ કાયદાની આન્ટીઘૂંટીને કારણે આજે પણ ઓનલાઇન દવાનો ધંધો ચાલુ છે. અનેક ડુપ્લીકેટ દવાઓ ઓનલાઇનના માધ્યમથી વેચાણ થઈ રહ્યું છે. 15 ટકા જેટલી દવાઓ હાલ ઓનલાઇન વેચાઈ રહી છે.  ઓનલાઇન દવાના વેચાણથી બેરોજગારી તો આવે જ છે, પરંતુ પ્રિસ્ક્રિપ્શન વિના જ લોકો દવાઓ લઈ તેનું સેવન કરે છે. ઓનલાઈન દવાનું વેચાણ બંધ થાય એ સંદર્ભે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગમાં એસોએ રજુઆત કરી છે. ઉલ્લેખનીય છે કે, કોરોનાકાળમાં દવાઓનું સેવન ડોક્ટરની સલાહ મુજબ જ લેવા સૂચન છે. આવામાં દવાની આડઅસર કિડની અને લીવર પર થવાની શક્યતા છે.