Site icon Revoi.in

અલંગના શીપ બ્રેકિંગ યાર્ડમાં જુન મહિનામાં માત્ર 10 જહાજ ભંગાવવા માટે લાંગર્યા

Social Share

ભાવનગરઃ જિલ્લાનો અલંગ શીપ બ્રેકિંગ ઉદ્યોગ છેલ્લા ઘણા સમયથી મંદીના વમળોમાં સપડાયો છે. અલંગ શિપ રીસાયકલિંગ યાર્ડની વાર્ષિક 40 લાખ મેટ્રિક ટનની ક્ષમતા સામે વર્ષ 2024ના પ્રથમ 6 માસ દરમિયાન 3.50 લાખ મે.ટનના 52 જહાજ લાંગરી શક્યા છે. જેમાં ગયા મહિને એટલે કે જુન મહિનામાં માત્ર 10 જહાજ ઊભંગાવવા માટે લાંગર્યા હતા.

અલંગ શીપ બ્રેકિંગ ઉદ્યોગ છેલ્લા બે વર્ષથી મંદીનો સામનો કરી રહ્યો છે. અને જહાજની આવક સતત ઘટી રહી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં હરિફ દેશોની જહાજ ખરીદવા અંગે કરવામાં આવતા ભાવની હરિફાઇ, સ્થાનિક બજારોમાં સ્ક્રેપના ભાવમાં નબળાઇ, નફાકારક જહાજોની ઓછી ઉપલબ્ધી પણ અલંગના શિપ રીસાયકલરોને સતત પરેશાન કરી રહી છે. અલંગ જહાજ બ્રેકિંગ ઉદ્યોગને લીધે આજુબાજુના વિસ્તારોમાં રિ-રોલિંગ મિલો અને લોખંડના વેસ્ટમાંથી સળિયા બનાવવાના નાના એકમોનો વિકાસ થયો હતો.પણ હાલ આ ઉદ્યોગોમાં પણ અલંગને લીધે મંદીમાં સપડાયા છે.

સૂત્રોના જણાવ્યા મુજબ આંતરરાષ્ટ્રીય માપદંડ મુજબની તમામ સગવડતા હરિફ દેશોની સરખામણીએ અલંગમાં સૌથી વધુ ઉપલબ્ધ છે, તેથી નવી સરકાર પાસેથી યુરોપીયન યુનિયનની માન્યતા પ્રાપ્ત કરવાની આડે જે અડચણો છે, દૂર કરવા માટે આશાભરી મીટ મંડાઇ રહી છે. જુન-2024 દરમિયાન માત્ર 10 જહાજ અલંગમાં બીચ થયા હતા અને 59,796 મે.ટન એલડીટી તેનું વજન નોંધાયુ છે. અગાઉ અલંગનો સુરજ મધ્યાહ્ને તપતો હતો ત્યારે પ્રતિ માસ સરેરાશ 30 જહાજ બીચ થતા હતા. પરંતુ છેલ્લા 3 વર્ષથી જહાજની સંખ્યામાં ઉત્તરોત્તર ઘટાડો નોંધાઇ રહ્યો છે. કેન્દ્ર અને રાજ્ય સરકારના કરવેરા, સવલતો, પ્રશ્નો સહિતની મોટાભાગની માંગણી ઉકેલાઇ ગઇ છે, હવે ઇ.યુ.ની માન્યતા અને બી.આઇ.એસ.ની માન્યતા પડતર પ્રશ્નો છે. જો કે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે તેજી-મંદીની અસર અલંગના શીપ યાર્ડને થતી હોય છે.