ભાવનગરઃ વર્ષો પહેલા વિજ્ઞાન કોલેજોનો એક જમાનો હતો. હવે એન્જિનિયરિંગ, ફાર્મસી સહિત પેરા મેડિકલ સહિતની કોલેજોની સંખ્યામાં વધારો થતાં વિજ્ઞાનની કોલેજોમાં પ્રવેશનો ક્રેઝ ઘટી ગયો છે. મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિ.ની સાયન્સ કોલેજોમાં પ્રવેશની પ્રક્રિયા માટે આજે તા.23 મેને મંગળવાર અંતિમ દિવસ હતો. ત્યારે સાયન્સ કોલેજોમાં પ્રવેશ માટે કોઇ ધસારો જોવા મળ્યો નથી. યુનિ. સંલગ્ન કોલેજોમાં કુલ બેઠક ક્ષમતા 3750ની છે અને તેની સામે સુધીમાં કુલ 1361 ફોર્મ ભરાયા હતા.એટલે જેટલી અરજીઓ આવી છે. તે તમામને પ્રવેશ આપી દીધા બાદ પણ 2389 બેઠકો ખાલી રહેશે. આજે ફોર્મ ભરવાના અંતિમ દિવસ બાદ કાલે તા.24 મેથી 26 મે દરમિયાન યુનિ. દ્વારા પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ તૈયાર કરવામાં આવશે.
સૂત્રોના જણાવ્યા મુજબ મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિ. દ્વારા ગત તા.12 મેથી સાયન્સ કોલેજોમાં એડમિશનની પ્રક્રિયા અંતર્ગત ફોર્મ ભરવાનો આરંભ થયો હતો અને ગઈકાલ સુધીમાં કુલ 1361 ફોર્મ ઓનલાઇન ભરાયા હતા. એટલે કે કુલ 3750 બેઠકો છે તે પૈકી 36.29 ટકા જ બેઠકો માટે ફોર્મ ભરાયા છે, જેટલા પ્રવેશ ફોર્મ ભરાયા છે, તે તમામ વિદ્યાર્થીઓ યુનિ.ની કોલેજોમાં જ એડમિશન લે તો પણ 63.71 ટકા બેઠકો ખાલી રહી જાય તેવી સ્થિતિ છે. યુનિ. દ્વારા તા.24 મેથી 26 મે દરમિયાન સાયન્સમાં પ્રવેશ માટે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ તૈયાર કરવામાં આવશે. જ્યારે તા.28 મેથી 30 મે દરમિયાન ત્રણ દિવસમાં પ્રોવિઝનલ મેરિટ લિસ્ટજાહેર થશે. વિદ્યાર્થીને કોઇ ફેરફાર કરવાનું જણાય તો વિદ્યાર્થીઓ પોતે ઓનલાઇન ફેરફાર કરી શકશે. 31 મેએ યુનિ. ફાઇનલ મેરિટ લિસ્ટ તૈયાર કરીને સંબંધિત કોલેજને આપશે. પહેલી જૂને દરેક કોલેજ દ્વારા પ્રથમ મેરિટ યાદી તૈયાર કરીને બપોરે 12 કલાકે નોટિસ બોર્ડ પર જાહેર કરાશે. આમ આ વર્ષે પણ યુનિવર્સિટીની સાયન્સ કોલેજોમાં મોટાભાગની બેઠકો ખાલી રહેશે. તે નક્કી છે.
યુનિ.ના પ્રવેશ સમિતિના સૂત્રોના કહેવા મુજબ તા.1 જૂનથી 6 જૂન દરમિયાન રવિવારની રજાને બાદ કરતા પાંચ દિવસ સુધી વિદ્યાર્થીઓએ પ્રવેશ કન્ફર્મ કરીને કોલેજ કક્ષાએ પ્રવેશ ફી ભરી શકાશે. સાથે પાસપોર્ટ સાઇઝના બે ફોટા તેમજ તમામ ડોક્યુમેન્ટસના બે સેટ રાખવાના રહેશે. તા.7 જૂને બીજી મેરિટ યાદી કોલેજો દ્વારા જાહેર કરવામાં આવશે. ત્યાર બાદ તા.8 જૂનથી 10 જૂન સુધી વિદ્યાર્થીઓએ પ્રવેશ કન્ફર્મ કરીને કોલેજ કક્ષાએ પ્રવેશ ફી ભરી શકાશે. સાથે પાસપોર્ટ સાઇઝના બે ફોટા તેમજ તમામ ડોક્યુમેન્ટસના બે સેટ રાખવાના રહેશે. તા. 12 જૂને કોલેજ દ્વારા ત્રીજું મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવશે. તેમજ અંતિમ ચરણમાં તા.12 જૂનથી 14 જૂન દરમિયાન વિદ્યાર્થીઓએ પ્રવેશ કન્ફર્મ કરીને કોલેજ કક્ષાએ પ્રવેશ ફી ભરી શકાશે. સાથે પાસપોર્ટ સાઇઝના બે ફોટા તેમજ તમામ ડોક્યુમેન્ટસના બે સેટ રાખવાના રહેશે. 15 જૂનથી સાયન્સ કોલેજોમાં શૈક્ષણિક કાર્યનો આરંભ થશે.