ધો.10માં ગ્રેસિંગથી પાસ થયેલા ડિપ્લામા ઈજનેરીમાં પ્રવેશ માટે માત્ર 295 વિદ્યાર્થીઓ જ ઉત્સુક
અમદાવાદ : રાજ્યમાં ડિપ્લામા ઈજનેરીના અભ્યાસક્રમોમાં પ્રવેશને અંતે ઘણીબધી બેઠકો ખાલી રહી હતી તેથી ધો. 10માં ગ્રેસિંગથી પાસ થયેલા વિદ્યાર્થીઓને પણ પ્રવેશ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ડિપ્લોમા ઈજનેરીમાં પ્રવેશ માટે ધો.10ના ગ્રેસિંગ પાસ વિદ્યાર્થીઓને પણ લાયક કરવાની સરકારે મંજૂરી આપ્યા બાદ ડિપ્લોમા પ્રવેશ સમિતિ દ્વારા સરકારી અને ગ્રાન્ટેડ કોલેજોમાં ખાલી પડેલી 5300થી વધુ બેઠકો માટે નવેસરથી રજિસ્ટ્રેશન શરૂ કરવામા આવ્યુ હતુ.પરંતુ પ્રવેશ માટે લાયક 30 હજારથી વધુ વિદ્યાર્થીઓમાંથી માત્ર 295 વિદ્યાર્થીએ રજિસ્ટ્રેશન કરાવ્યુ હતું.
સૂત્રોના જણાવ્યા મુજબ ડિપ્લોમા ઈજનેરીના જુદા જુદા અભ્યાસક્રમોમાં સરકારના નિયમ પ્રમાણે ગ્રેસિંગ સાથે ધો.10માં 35 ટકા લાવનાર વિદ્યાર્થીને પ્રવેશ અપાતો નથી.ગ્રેસિંગ વગર 35 ટકાએ પ્રવેશ આપવામાં આવે છે ત્યારે ડિપ્લોમા ઈજનેરી કોલેજોના સંચાલકોએ માંગ કરી હતી કે ચાલુ વર્ષે માસ પ્રમોશનમાં ધો.10માં ગ્રેસિંગ સાથે 1.5 લાખ વિદ્યાર્થીઓ પાસ થયા છે. તેથી ગ્રેસિંગ સાથે ધો.10 પાસ થયેલા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવો જોઈએ. ખાનગી કોલેજોના સંચાલકોની રજૂઆત બાદ સરકારે પણ મોડે મોડે દિવાળી બાદ નિર્ણય કરતા પ્રવેશની મંજૂરી આપી હતી. ત્યારબાદ પ્રવેશ સમિતિએ સરકારી બેઠકો માટે નવેસરથી 12મીથી રજિસ્ટ્રેશન શરૂ કર્યુ હતુ.જે પૂર્ણ થઈ ગયુ છે.
ધો.10માં ગ્રેસિંગ સાથે 35 ટકાએ પ્રવેશ માટે લાયક 30 હજાર વિદ્યાર્થી હતા.જેમાંથી માત્ર 295 વિદ્યાર્થીએ રજિસ્ટ્રેશન કરાવ્યુ છે. જ્યારે ખાનગી કોલેજોને વેકેન્ટ ક્વોટામાં સીધા પ્રવેશની મંજૂરી અપાઈ છે. જેથી કોલેજોએ ગ્રેસિંગ પાસ ઘણા વિદ્યાર્થીઓને પોતાની રીતે પ્રવેશ આપી દીધા છે. સરકારની બેદરકારી અને ઢીલી નીતિને લીધે હજારો ગ્રેસિંગ પાસ વિદ્યાર્થીઓ પ્રવેશ લેવા ઈચ્છુક હતા છતાં રહી ગયા છે અને ધો.11 સહિતના અન્ય પ્રવેશ લઈ લીધા છે અથવા ભણવાનું છોડી દીધુ છે.નવા રજિસ્ટ્રેશન બાદ હવે 18મીએ મેરિટ જાહેર થશે અને 23મીએ સીટ એલોટમેન્ટ જાહેર થશે.