અમદાવાદઃ શહેરમાં પ્રથમ કોરોના વોરિયર્સને વેક્સિનેશન કરાયા બાદ 60 વર્ષથી વધુ વયના સિનિયર સિટીઝન, ત્યાર બાદ 45થી 60 વર્ષ સુધીના અને 18થી 45 વર્ષના લોકોનું વેક્સિનેશનનું અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. હજુ પણ વેક્સિન લેવા માટે ઝુંબેશ ચાલુ જ છે પરંતુ શહેરના કેટલાક ઝોનમાં રસીકરણનું પ્રમાણ ઘણું નીચું છે. પૂર્વ ઝોનમાં માંડ 34.07 ટકા અને ઉત્તર ઝોનમાં 38.66 ટકા લોકોએ રસી લીધી છે. જો કે ઉત્તર પશ્ચિમ ઝોન 79.88 ટકા રસીકરણ સાથે મોખરે છે. એ પછી 60.42 ટકા સાથે પશ્ચિમ ઝોનનો નંબર આવે છે.
સૂત્રોના જણાવ્યા મુજબ શહેરમાં અત્યાર સુધીમાં સરેરાશ 47.56 ટકા લોકોએ રસી મુકાવી છે. અત્યાર સુધી 4.90 લાખ સિનિયર સિટીઝન અને 7.93 લાખ યુવકોએ રસી મુકાવી છે. સૌથી વધુ 1.59 લાખ યુવકોએ પશ્ચિમ ઝોનમાં જ્યારે 1.42 લાખ યુવકોએ દક્ષિણ ઝોનમાં રસી મુકાવી છે. દક્ષિણ પશ્ચિમ ઝોનમાં માત્ર 49,425 યુવકે વેક્સિન લીધી છે. 45થી 60ના વયજૂથમાં પશ્ચિમ ઝોનના 1.36 લાખ, ઉત્તર પશ્ચિમ ઝોનના 1 લાખ લોકોએ રસી લીધી છે. સૌથી વધુ 1.46 લાખ સિનિયર સિટીઝને પશ્ચિમ ઝોનમાં રસી લીધી છે. જ્યારે ઉત્તર પશ્ચિમ ઝોનમાં 1 લાખે અને ઉત્તર પશ્ચિમ ઝોનમાં 90 હજાર વૃદ્ધોએ અત્યાર સુધી રસી મુકાવી છે. કોરોનાના દૈનિક કેસમાં છેલ્લા 16 દિવસથી સતત ઘટાડો થયા પછી મંગળવારે નવા કેસમાં માત્ર 1નો વધારો થયો હતો. છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 48 કેસ નોંધાયા હતા. સોમવારે આ આંક 47 હતો. જો કે, કોરોનાથી વધુ 2 દર્દીના મૃત્યુ થયા હતા. 135 દર્દી સાજા થતાં િવવિધ હોસ્પિટલમાંથી તેમને રજા આપવામાં આવી હતી. હવે શહેરમાં માત્ર 1452 એક્ટિવ કેસ રહ્યા છે. દરમિયાન મંગળવારે 34,654 લોકોએ કોરોનાની રસી મુકાવી હતી. જેમાં 22092 પુરુષ અને 12,562 મહિલાનો સમાવેશ થાય છે. મંગળવારે 26 હજારથી વધુ યુવાનોએ રસી લીધી હતી.