ઉત્તર ગુજરાતમાં માત્ર 5.65 ટકા અને કચ્છનાં જળાશયોમાં 13.90 ટકા જ પાણીનો જથ્થો ઉપલબ્ધ,
અમદાવાદઃ અષાઢના આગમનને હવે બે દિવસ બાકી રહ્યા છે. ગુજરાતમાં મેઘરાજાનું વિધિવત આદમન થઈ ગયું છે. પણ હજુ મેઘરાજા મન મુકીને વરસતા નથી. બીજી બાજુ રાજ્યના મોટાભાગના જળાશયોમાં હવે ડેડ વોટર જ બચ્યુ છે. જો વરસાદ ખેંચાશે તો પાણીની વિકટ સમસ્યા સર્જાશે, જોકે આગામી ચાર દિવસમાં વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યમાં સૌથી વધુ પાણીની સમસ્યા ઉત્તર ગુજરાતમાં સર્જાવવાની શક્યતા છે. ઉત્તર ગુજરાતના જળાશયોમાં માત્ર 5.65 ટકા પાણીનો જથ્થો જ ઉપલબ્ધ છે, જ્યારે કચ્છના ડેમોમાં માત્ર 13.90 ટકા જ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે.
સિંચાઈ વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતના જળાશયોમાં અત્યારે વપરાશ લાયક એટલે કે પાણીનો સંગ્રહ ફક્ત 22.90 આસપાસ જ બચ્યો છે. એમાંયે કચ્છના જળાશયોમાં 13.90 ટકા લાઇવ સ્ટોરેજ બચ્યો છે જ્યારે ઉત્તર ગુજરાતના જળાશયોમાં 5.65 ટકા જેટલો પાણીનો જીવંત સંગ્રહ બચ્યો છે. જ્યારે સૌરાષ્ટ્રમાં બોટાદમાં 1.21 ટકા, દેવભૂમિ દ્વારકામાં 1.08 ટકા, સુરેન્દ્રનગરમાં 12.65 ટકા, જામનગરમાં 10.41 ટકા, જૂનાગઢમાં 15.86 ટકા અને મોરબીમાં 15.44 ટકા પાણીનો લાઇવ સ્ટોરેજ બચ્યો છે. સરદાર સરોવર ડેમમાં 8.92 સાથે ગુજરાતના જળાશયોમાં 22.90 ટકા લાઇવ સ્ટોરેજ છે. ઉત્તર ગુજરાતના અરવલ્લીમાં 3.06 ટકા, સાબરકાંઠામાં 3.54 ટકા, બનાસકાંઠામાં 4.99 ટકા અને મહેસાણાના જળાશયમાં 7.74 ટકા લાઇવ સ્ટોરજ બચ્યો છે. ઉલ્લેખનીય છે કે બનાસકાંઠા જિલ્લામાં પીવાલાયક પાણીનો કકળાટ એટલો વધ્યો છે કે લોકોને પાણી મેળવવા માટે આંદોલન કરવું પડ્યુ છે. તો બીજી બાજુ બનાસકાંઠામાં ઘાસચારાની તંગીના કારણે અબોલ પશુઓના મોત પણ નોંધાયા હોવાની ઘટના સામે આવી હતી. સમગ્ર મામલે રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરાઇ હતી. ઉલ્લેખનીય છે કે ગત ચોમાસાની તુલનામાં આ વખતે વરસાદ ખેંચાયો છે.