લગ્નમાં માત્ર 50 જાનૈયા અને ભોજનમાં 10 વાનગીઓ, સંસદમાં રજુ થયું બિલ
નવી દિલ્હીઃ પંજાબના ખડૂર સાહિબના કોંગ્રેસના સાંસદ જસબીર સિંહ ગીલે લગ્નમાં થતા નકામા ખર્ચને રોકવા માટે સંસદમાં ખાનગી સભ્ય બિલ રજૂ કર્યું છે. ગૃહમાં રજૂ કરાયેલા આ બિલમાં જાનમાં માત્ર 50 લોકોને બોલાવવા જેવા નિયમો લાગુ કરવાની વાત કહેવામાં આવી છે. આ બિલને પ્રિવેન્શન ઓફ વેસ્ટફુલ એક્સપેન્ડીચર ઓન સ્પેશિયલ ઓકેશન્સ બિલ નામ આપવામાં આવ્યું છે.
આ બિલ મુજબ લગ્નની જાનમાં માત્ર 50 લોકોને જ બોલાવવામાં આવે, 10 થી વધુ વાનગીઓ ન હોવી જોઈએ અને લગ્નમાં 2500 થી વધુ શગુન ન આપવાનું કહેવામાં આવ્યું છે. સંસદમાં રજૂ કરવામાં આવેલ આ બિલ લગ્ન જેવા ખાસ પ્રસંગો દરમિયાન થતા બિનજરૂરી ખર્ચને ઘટાડવા માટે લાવવામાં આવ્યું છે. આ બિલમાં ઘણી જોગવાઈઓ છે. એક જોગવાઈ મુજબ લગ્નમાં ગિફ્ટ લેવાને બદલે તેની રકમ ગરીબ, જરૂરિયાતમંદ, અનાથ કે સમાજના નબળા વર્ગને દાનમાં આપવી જોઈએ. કોંગ્રેસ સાંસદે આ બિલ જાન્યુઆરી 2020માં રજૂ કર્યું હતું.
સાંસદે પોતે કહ્યું કે લગ્ન પર થતા ખર્ચને રોકવા માટે આ બિલ લાવવાની જરૂર કેમ પડી. તેમણે કહ્યું કે તેમનો હેતુ ઉડાઉ લગ્નોની સંસ્કૃતિને ખતમ કરવાનો છે, કારણ કે તેનાથી છોકરીના પરિવાર પર ઘણો બોજ પડે છે. તેણે કહ્યું, મને એવી ઘણી ઘટનાઓ વિશે જાણવા મળ્યું જેમાં લોકોએ પોતાની જમીન અને ઘર વેચવું પડ્યું હતું અથવા તેમની દીકરીઓના લગ્ન માટે બેંકોમાંથી લોન લેવી પડી હતી.