અમદાવાદઃ શહેરમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. ત્યારે શહેરની મ્યુનિસિપલ કોર્પોરેશને શહેરમાં આવતી તમામ ખાનગી ઓફિસ, કોમર્શિયલ એકમો અને સંસ્થાઓમાં 50 ટકા જ સ્ટાફ અથવા ઑલ્ટરનેટ દિવસે કર્મચારીઓને બોલાવવાનો નિર્ણય કર્યો છે. ઔદ્યોગિક એકમોને આ વ્યવસ્થામાંથી કોર્પોરેશને મુક્તિ આપી છે.આ પહેલા 12 એપ્રિલે ગુજરાત સરકારે રાજ્ય સરકારની કચેરીઓ, અર્ધસરકારી કચેરીઓ બોર્ડ – કોર્પોરેશન તથા તમામ ખાનગી ઓફિસોમાં કર્મચારીઓની હાજરી 50 ટકા સુધી રાખવાનો અથવા કર્મચારીઓ ઓલ્ટરનેટ દિવસે ફરજ પર આવે તેવી વ્યવસ્થા સુનિશ્ચિત કરવાનો નિર્ણય કર્યો હતો. આ પરિપત્રનું પાલન કરીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આ નિર્ણય કર્યો છે.
શહેરમાં કોરોનાના કેસ ચિંતાજનકરીતે વધી રહ્યા છે. રાજ્ય સરકારે પણ સરકારી અને અર્ધ સરકારી કચેરીઓ તેમજ બોર્ડ-નિગમોની કચેરીઓમાં 50 ટકા કર્મચારીઓ સાથે કાર્યરત રાખવા નિર્ણય કર્યો છે. બીજી બાજુ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પણ ખાનગી સંસ્થાઓમાં રોટેશન મુજબ 50 ટકા કર્મચારીઓની હાજરી સાથે કામ કરવા અપિલ કરી હતી ત્યારે અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશને પણ શહેરમાં આવતી તમામ ખાનગી ઓફિસ, કોમર્શિયલ એકમો અને સંસ્થાઓમાં 50 ટકા જ સ્ટાફ અથવા ઑલ્ટરનેટ દિવસે કર્મચારીઓને બોલાવવાનો નિર્ણય કર્યો છે. શહેરમાં ખાનગી હોસ્પિટલો અને કોવિડ કેર સેન્ટરોમાં કોરોનાના દર્દીઓને સારવાર માટે દાખલ થવામાં હાલાંકી ભોગવવી પડી છે. કોરોનાનું સંક્રમણ ન વધે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.