ગાંધીનગરઃ દેશમાં નવી શિક્ષણ નીતિ અંતર્ગત ધોરણ-1માં 6 વર્ષ પૂર્ણ કર્યા હોય તેવા બાળકોને જ પ્રવેશ આપી શકાશે. હવે તેનો અમલ ગુજરાતમાં પણ નવા શૈક્ષણિક સત્રથી કરી દેવાશે.આ અંગે પ્રવેશને લઈને સમસ્યા ઉભી ન થાય તેથી શિક્ષણ વિભાગ દ્વારા 2020માં જ આ અંગે પરિપત્ર કરવામાં આવ્યો હતો. જેમાં સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, જૂન-2023થી શરૂ થતાં નવા શૈક્ષણિક વર્ષમાં જે બાળકને 1 જૂન, 2023ના રોજ 6 વર્ષ પુર્ણ થયા નહીં હોય તેમને ધોરણ-1માં પ્રવેશ ફાળવવામાં આવશે નહીં. અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા તાબાની તમામ સ્કૂલોને પત્ર મોકલી પ્રવેશ વખતે નિયમનો અમલ થાય તે જોવા તાકીદ કરી છે. આમ, હવે રાજ્યમાં 5 વર્ષના બદલે 6 વર્ષે ધોરણ-1માં પ્રવેશ ફાળવવામાં આવશે. આ માટે ગુજરાતના શિક્ષણ વિભાગ દ્વારા નિયમોમાં પણ ફેરફાર કરી દીધો હોવાનું જાણવા મળે છે.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યના પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી દ્વારા 23 ડિસેમ્બર, 2020નો રોજ પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો. જેમાં રાજ્યની પ્રાથમિક સ્કૂલોમાં ધોરણ-1માં પ્રવેશની વયવર્મયાદા 5ના બદલે 6 વર્ષથી કરવાનો નિર્ણય લેવાયો હોવાની જાહેરાત કરાઈ હતી. જોકે, પરિપત્ર થયો ત્યારબાદ તરત જ તેનો અમલ કરવાામાં આવે તો કે.જી.માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું એક વર્ષ બગડે તેવી સ્થિતિ સર્જાય તેમ હોવાથી પરિપત્ર થયા બાદ 2023-24ના શૈક્ષણિક વર્ષથી અમલ કરવાની જાહેરાત કરાઈ હતી. આમ, વિદ્યાર્થીઓનું વર્ષ ન બગડે તે માટે અઢી વર્ષ પહેલા જ આ અંગે પરિપત્ર કરી દેવામાં આવ્યો હતો. જેથી હવે નવા શૈક્ષણિક વર્ષ એટલે કે 2023-24થી 6 વર્ષ પુર્ણ કરેલા હશે તે જ વિદ્યાર્થીઓને ધોરણ-1માં પ્રવેશ મળશે. શિક્ષણ વિભાગ દ્વારા રાઈટ ટુ એજ્યુકેશન એક્ટની જોગવાઈમાં પણ ફેરફાર કરી દીધો છે અને 6 વર્ષે જ પ્રવેશનો નિયમ અમલી બનાવ્યો છે. જેથી 1 જૂન, 2023ના રોજ 6 વર્ષ પુર્ણ કરનારા વિદ્યાર્થીઓને જ આગામી શૈક્ષણિક સત્રમાં ધોરણ-1માં પ્રવેશ મળવાપાત્ર થશે. જે વિદ્યાર્થી 6 વર્ષનો નહીં હોય તેમને ધોરણ-1માં પ્રવેશ આપી શકાશે નહીં અને જો પ્રવેશ ફાળવવામાં આવશે તો તમામ જવાબદારી સ્કૂલની રહેશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, આરટીઇ એક્ટ-2009 અન્વયે ગુજરાત આરટીઇ રૂલ્સ 2012 સમગ્ર રાજયમાં અમલમા છે. તેના નિયમ ક્રમાંક -3માં ફેરફાર કરવામાં આવ્યો છે. તે મુજબ શૈક્ષણિક વર્ષ 1લી જૂનના રોજ જે બાળકની ઉંમર 6 વર્ષ પૂર્ણ થતી ન હોય તેવા બાળકોને શાળામાં પ્રવેશ આપવામાં આવશે નહીં. આ સુધારાની જાણ તમામ પ્રાથમિક શાળાઓને કરવામાં આવી હતી. જો કોઇ વાલી પોતાના પાલ્યને પૂર્વ પ્રાથમિક શિક્ષણ અપાવવા માંગતા હોય તો શિક્ષણ વિભાગના આ જાહેરનામાને ધ્યાને લઇ શાળાઓ દ્વારા જે તે બાળકને પૂર્વ પ્રાથમિક ( પ્લે ગ્રુપ, નર્સરી, જુનિયર કે.જી., સીનીયર કે.જી. )માં એવી રીતે પ્રવેશ આપવામાં આવે કે જયારે તે બાળક પૂર્વ પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કરે અને ધો.1માં પ્રવેશ મેળવવાની કાર્યવાહી કરે ત્યારે શૈક્ષણિક વર્ષ 2023-24માં 1લી જૂનના રોજ 6 વર્ષની ઉંમર પૂર્ણ થયેલી હોય. જો કોઇ શાળાઓ દ્રારા આ જાહેરનામાને ધ્યાને લીધા સિવાય પ્રવેશ આપશે અને શૈક્ષણિક વર્ષ 2023-24માં જે તે વિદ્યાર્થી પૂર્વ પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કરી ધો.1માં પ્રવેશ મેળવવા કાર્યવાહી કરે ત્યારે તે બાળકની વય 1લી જૂનના રોજ 6 વર્ષથી ઓછી હશે તો પ્રવેશ મેળવી શકાશે નહીં. અને જે તે વિદ્યાર્થીને પુનઃ 1 વર્ષ પૂર્વ પ્રાથમિક શિક્ષણનો અભ્યાસ કરવો પડશે. (file photo)