અમદાવાદ: ગુજરાતમાં મોટાભાગની નગરપાલિકાની આર્થિક હાલત ડામાડોળ હોવાથી વીજળીના બિલો પણ ભરી શકતી નથી. તલાળામાં હીરણ નદીમાં છોડાતા દુષિત પાણી અંગેની રિટમાં ટ્રીટમેન્ટ પ્લાન્ટને વીજ જોડાણ નહીં મળતુ હોવાના મુદ્દે રજુઆત થતા તેના જવાબમાં વીજ કંપનીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં માત્ર આઠ નગરપાલિકા જ નિયમિત વીજ બિલો ભરે છે. તલાળા નરપાલિકાનું રૂપિયા 7 કરોડનું વીજ બિલ બાકી હોવાથી બીજુ વીજ કનેક્શન આપી શકાતું નથી. હાઈકોર્ટે પીજીવીસીએલને બે દિવસમાં ટ્રીટમેન્ટ પ્લાંટનું વીજકનેકશન આપવા આદેશ કર્યો હતો અને તાલાલા નગરપાલિકાને તાત્કાલીક ટ્રીટમેન્ટ પ્લાન્ટ ચાલુ કરી હિરણ નદીમાં પ્રદુષિત ન જાય તે નિશ્ર્ચિત કરવા જણાવ્યું હતું.
ગુજરાત હાઈકોર્ટ પશ્ચિમ ગુજરાત વિજ કંપની (પીજીવીસીએલ) ને તાલાલા નગરપાલિકાના નવા બંધાયેલા સુએજ ટ્રીટમેન્ટ પ્લાંટ માટે તાત્કાલીક વિજ કનેકશન પુન: જોડી આદેશ આપીને ચિંતા પણ દર્શાવી હતી કે ટ્રીટમેન્ટ પ્લાંટ ચાલુ નહી હોવાથી પ્રદુષિત પાણી હિરણ નદીમાં છોડવામાં આવે છે, તેના કારણે ગીર અભ્યારણના સિંહોને પણ આ પ્રદુષિત પાણી પીવાની ફરજ પડે છે. હિરણ નદીમાં જે પ્રદુષિત પાણી છે. તે ફકત માનવી જ નહી પણ ગીર જંગલના પ્રાણીઓને પણ આરોગ્ય સામે પ્રશ્ન સર્જી શકે છે. આ સુનાવણી સમયે હાઈકોર્ટમાં જણાવ્યું કે તાલાલાનું ગંદુ પાણી ટ્રીટમેન્ટ માટે જે પ્લાંટ છે તે કાર્યરત નથી. કારણ કે તેને હજું વીજ કનેકશન અપાયુ નથી. ગુજરાત પ્રદુષણ બોર્ડે હાઈકોર્ટમાં જણાવ્યું કે જો આ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ચાલુ થાય નહી ત્યાં સુધી આ સમસ્યાનો અંત આવશે નહી, પણ પીજીવીસીએલએ જ પુરવઠો ‘કટ’ કર્યો છે. કારણ કે તાલાલા નગરપાલિકાનું રૂા.7 કરોડનું વિજબીલ બાકી છે.
વીજ કંપની વતી રજુઆત કરવામાં આવી હતી કે. વીજ ઓથોરીટીના નિયમો મુજબ કોઈ વ્યક્તિ કે સંસ્થા કે પછી લોકલ ઓથોરીટી વિજ બીલ ભરવામાં નિષ્ફળ જાય તો તેને બીજુ વીજ કનેકશન અપાઈ શકાતું નથી. ટ્રીટમેન્ટ પ્લાન્ટ માટે જે વીજ કનેકશન અપાયુ છે. તે તાલાલા નગરપાલિકાના બાકી બિલ હોવાથી તેને નવું કનેકશન આપી શકાય નહી. આ સુનાવણી સમયે હાઈકોર્ટમાં એ પણ માહિતી અપાઈ કે ગુજરાતમાં તમામ નગરપાલિકામાંથી ફકત આઠ નગરપાલિકા જ તેના વીજબીલ નિયમીત ભરે છે. છતાં પણ અન્ય નગરપાલિકાના સ્ટ્રીટલાઈટ, પાણી અને તેની ઓફિસના વીજ કનેકશન કાયમી નથી. કારણ કે તેનાથી લોકોને જ મુશ્કેલી પડે છે. આ અંગે તાલાલા નગરપાલિકાએ દલીલ કરી કે તેના 21000 ઘરોમાંથી મોટાભાગના ટેક્ષ ભરતા નથી. તેથી વીજ બીલ ભરી શકાતું નથી. છતાં પણ હાલમાં જ રૂા.2.47 કરોડ તેણે વીજબીલ પેટે ભર્યા છે અને બાકીની રકમ રાજય સરકાર લોન આપે પછી ભરપાઈ કરશે. હાઈકોર્ટે બાદમાં પીજીવીસીએલને બે દિવસમાં ટ્રીટમેન્ટ પ્લાંટનું વિજકનેકશન આપવા આદેશ આપ્યો હતો અને તાલાલા નગરપાલિકાને તાત્કાલીક ટ્રીટમેન્ટ પ્લાંટ ચાલુ કરી હિરણ નદીમાં પ્રદુષીત મળી ના જાય તે નિશ્ર્ચિત કરવા જણાવ્યું હતું.