વેરાવળઃ યાત્રાધામ સોમનાથમાં ગીર સોમનાથ જિલ્લા ભાજપના કાર્યાલયનું પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલના હસ્તે ખાતમુહૂર્ત કરાયુ હતું. પ્રથમ જયોતિર્લિગ સોમનાથ માહાદેવના સાંનિઘ્યમાં દેશનું પ્રથમ કમળ આકારનું જિલ્લા સંગઠનનું કાર્યાલય બનવવાનો નિર્ણય કરાયો છે. આ કાર્યાલયને ગીર સોમનાથ ભાજપ દ્વારા ‘સોમ કમલમ’નામ આપવાનો નિર્ણય કરાયો છે. કાર્યાલય તમામ પ્રકારની સુવિધાઓથી સંપન્ન હશે. આ ખાતમુહૂર્ત પ્રસંગે સી.આર.પાટીલે 2022ની વિધાનસભાની ચૂંટણીને લઇને જણાવ્યું હતું કે, 2022માં ‘લાયક’ ઉમેદવારોને જ ભાજપ ટિકિટ આપશે, સગાવાદ નહીં ચાલે. આ વખતે કોઇ પોતાના સંબંધોના આધાર પર ટીકીટ લઇ આવે તે વાત તો ભુલી જજો.
સોમનાથમાં યોજાયેલા ભાજપના જિલ્લા કાર્યાલયના ખાતમુહૂર્ત માટે આવેલા પ્રદેશ ભાજપા પ્રમુખ સી.આર.પાટીલનું ભવ્ય સ્વાગત કરાયું હતું ત્યારબાદ મંત્રોચ્ચાર કરી તેમના હસ્તે ખાતમુર્હત વિધિ કરાઇ હતી. બાદમાં સ્થાનિક જિલ્લા ભાજપના આગેવાનો-કાર્યકરો દ્વારા પ્રમુખ પાટીલનું હારતોરા મોમેન્ટો આપી સ્વાગત કરવામાં આવ્યું હતુ. આ તકે પ્રમુખ સી.આર.પાટીલએ ગીર સોમનાથ જિલ્લા ભાજપના હાજર કાર્યકર્તાઓ અને આગેવાનોને સંબોધન કરતા જણાવ્યું હતું કે, હવે સચિવાલયમાં કોઈ રોકશે નહીં કે તમારી સાથે કોઈ ઉદ્ધતાઈ પણ નહીં થાય. કોઇ પ્રશ્ન હોય તો ગાંઘીનગરની મુલાકાત લેવા જણાવ્યુ હતુ. આગામી વિધાનસભા ચુંટણીમાં 182 બેઠક જીતવાના દ્રઢ નિર્ધાર કરી કામે લાગી જવા કાર્યકરોને આહવાન કર્યુ હતુ.
ગુજરાતની વિધાનસભાની આગામી ચૂંટણીને લઇ પાટીલે વધુમાં જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી અને આખી સરકાર બદલાવ્યા બાદ હવે નાના કાર્યકર્તાને પણ ટિકિટ મળવાની ઉજળી તક સાથે આશા બંધાઇ છે. ત્યારે આગામી વિધાનસભાની ચૂંટણીમાં કોઈ લાગવગ નહીં ચાલે. આ વખતે કોઇ પોતાના સંબંધોના આધાર પર ટિકિટ લઇ આવે તે વાત તો ભુલી જજો. જેને પાર્ટી કાર્યકર્તાઓનો સ્પોટ અને લોકોમાં સારી ઇમેજ હશે તેવા લોકોને જ ટિકિટ મળશે. અમે બધાને એટલા માટે બદલ્યા છે કેમ કે અમારે નવી કેડર ઊભી કરવી છે. જેમાં નાના પાયાના નવા પ્રતિભાશાળી કાર્યકર્તાઓને સ્થાન મળે તે માટે નિર્ણય લેવામાં આવ્યો છે. આ બઘુ માત્ર શિસ્તબંધ ભાજપ પાર્ટીમાં જ શક્ય છે. આ તકે નવા નિર્માણ થનારા જિલ્લા ભાજપના કાર્યાલય અંગે માહિતી આપતા સ્થાનિક ભાજપના અગ્રણી ઝવેરી ઠકરારએ જણાવ્યું હતું કે, ભાજપના લોકપ્રિય નેતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહપ્રધાન અમિત શાહની સોમનાથ પ્રત્યેની આસ્થાથી સૌ કોઈ પરિચિત છે. ત્યારે બાર જ્યોતિર્લિંગોમાં પ્રથમ એવા સોમનાથ મહાદેવના સાંનિધ્યમાં બાયપાસ રોડ ઉપર 4 હજાર ગજથી વઘુ જગ્યામાં સમગ્ર દેશમાં સૌથી ઉત્તમ અને ભવ્ય જિલ્લા ભાજપ કાર્યાલય બનાવવાનું નકકી કર્યુ છે. જેના નિર્માણમાં નાના પાયાના કાર્યકર્તાથી લઈને નેતાઓ અને સંસ્થાઓના અનુદાનના સહયોગના સહિયારા પુરુષાર્થથી બનાવવામાં આવશે.