મૃત્યુના કોઝમાં કોરોના લખ્યું હશે તેવા પરિવારો જ 50,000નું વળતર મેળવવા હકદાર બનશે !
અમદાવાદઃ ગુજરાત સહિત દેશભરમાં કોરોનાનો બીજો કાળ કપરો રહ્યો હતો. જેમાં અનેક પરિવારોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે. કોરોનાથી મૃત્યુ પામેલાના પરિવારને સહાય આપવાની ઘણા સમયથી માગણી થતી હતી. અને આ મામલો દેશની વડી અદાલતમાં પહોંચ્યો હતો. ભારત સરકારે સુપ્રીમ કોર્ટમાં કોવિડ–19થી મૃત્યુ પામેલા નાગરિકોના પરિવારજનોને રૂપિયા 50,000 હજારની સહાય આપવા સોગંદનામું કર્યુ છે. ગુજરાતમાં સરકારી રેકર્ડ ઉપર કોરોનાને કારણે 10,082 નાગરિકોએ જીવ ગુમાવ્યાનું જાહેર થયુ છે. આ સ્થિતિમાં માત્ર સરકારી રેકર્ડમાં નોંધાયેલા કોરોનાથી મૃત્યુના કિસ્સાને જ સહાયને પાત્ર ગણાય તો સરકારને રૂપિયા 5,041 કરોડ સહાયપેટે આપવાના રહેશે. દરમિયાન એવો પ્રશ્ન ઉભો થયો છે કે, કોરોનાકાળમાં કોમોર્બિડ મોત થયા હોય તેવા લોકોને શા માટે કોઇ પ્રકારની સહાય ન મળે. હજારો વ્યકિતઓ એવા હતા જેમને કોરોનાની સાથે અન્ય બિમારીઓ હતી અને કોરોનાની સારવાર દરમિયાન તેમના મૃત્યુ નિપજ્યા હતા પરંતુ સરકારી તંત્રએ આવા મૃત્યુને કોરોનાથી મૃત્યુ થયુ છે તેવુ સ્વીકાયું ન હતુ. એટલે કે મૃત્યુના કોઝમાં કોરોના લખ્યુ હશે તેવા મૃતકોના પરિવારો જ સહાય માટે હક્કને પાત્ર બનશે. જોકે આ મામલે વિવાદ થવાની શક્યતા છે. કારણ કે, ઘણાબધા લોકોના કોરોનાને કારણે મૃત્યુ નિપજ્યા હતા પણ મૃત્યુના કોઝમાં કોરોના દર્શાવ્યો નહોય તો સહાય મળી શક્શે નહીં.
સૂત્રોના જણાવ્યા મુજબ માર્ચ–2020 થી અત્યાર સુધીના 18 મહિનામાં સેંકડો નાગરિકોના કોરોનાનો ચેપ લાગ્યા બાદ મૃત્યુ થયા છે. આરોગ્ય વિભાગ દ્વારા રોજેરોજ જાહેર થતી અખબારી યાદી, કોવિડ–19 પોર્ટલ ઉપર સત્તાવારપણે માત્ર 10,082ના મૃત્યુ થયાનું કહેવાય છે. આ સરકારી રેકર્ડમાં મૃત્યુ પામેલા પોતાના આપ્તજનનું નામ છે કે કેમ ? તેનાથી સેંકડો પરિવારો બેખબર છે. કારણ કે, કોરોનાનો ચેપ લાગ્યા પછી મૃત્યુ પામેલા સેંકડો નાગરીકોના ડેથ ર્સિટફિકેટમાં કોવિડ–૧૯નો ઉલ્લેખ થયો નથી. આ સ્થિતિમાં કલેકટરેટ દ્વારા જિલ્લામાંથી સહાય આપવા અરજીની ચકાસણી કેવી રીતે થશે તેને લઈને અનેક સવાલો ઉદ્દભવ્યા છે. ગુજરાત રાહત અને વ્યવસ્થાપન તત્રં ઉપકત વિષયે ભારત સરકારમાંથી ગાઈડલાઈન આવ્યા બાદ કોરોનાથી મૃત્યુ પામેલા નાગરિકોના પરિજનોને સહાયની પ્રક્રિયા શરૂ કરશે. ટોચના અધિકારીએ કહ્યુ કે, ભારત સરકારે સુપ્રીમ કોર્ટમાં સોંગદનામું કર્યાનું જાણ્યુ છે. આ સહાયની પાત્રતા માટે કયા આધારો ધ્યાને લેવાના રહેશે તેની વિસ્તૃત માર્ગર્દિશકા કેન્દ્રમાંથી મળ્યા બાદ ગુજરાતમાં કાર્યવિધી થશે.