Site icon Revoi.in

ગુજરાતની માધ્યમિક શાળાઓમાં હવે ગ્રેજ્યુએટ ઉમેદવાર જ જુનિયર ક્લાર્ક બની શકશે

Social Share

ગાંધીનગરઃ રાજ્યની માધ્યમિક સ્કૂલોમાં હવે જુનિયર ક્લાર્ક બનવા માટે ગ્રેજ્યુએટ થવું ફરજિયાત બનશે. શિક્ષણ બોર્ડ દ્વારા જુનિયર કારકુનની જગ્યાને લઈને વિનિયમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. અગાઉની જોગવાઈ અનુસાર ધોરણ-12 પાસ પણ જુનિયર ક્લાર્ક બની શકતા હતા. પરંતુ હવે ગ્રેજ્યુએટ હશે તે જ જુનિયર ક્લાર્ક બની શકશે. ઉપરાંત અગાઉ જુનિયર કારકુનની જગ્યા સીધી ભરતીથી ભરવાના બદલે પટાવાળાને પ્રમોશન આપી જગ્યાઓ ભરાતી હતી. પરંતુ વિનિયમમાં ફેરફાર બાદ હવે સીધી ભરતીથી પણ જુનિયર કારકુનની જગ્યા ભરી શકાશે.

સૂત્રોના જણાવ્યા મુજબ  રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં જુનિયર કારકુનની જગ્યા ભરવાને લઈને શિક્ષણ બોર્ડના વિનિયમમાં ફેરફાર કરવા માટે બોર્ડ દ્વારા દરખાસ્ત કરવામાં આવી હતી. આ દરખાસ્ત સરકાર સમક્ષ વિચારણા હેઠળ હતી. જેમાં પુખ્ત વિચારણાના અંતે સરકાર દ્વારા વિનિયમમાં ફેરફારને મંજૂરી આપી આપવામાં આવી છે. આ ફેરફાર બાદ જુનિયર કારકુનની જગ્યા સીધી ભરતીથી ભરવા માટેની જોગવાઈમાં ફેરફાર કરાયો છે. અગાઉની જોગવાઈ એવી હતી કે, કોઈ વ્યક્તિ 18 વર્ષની ઉંમર પ્રાપ્ત કરી હોય અને ધોરણ-12 પ્રમાણપત્ર ધરાવતી હોય તે સિવાય કારકુન સ્ટાફના સભ્ય તરીકે નિમી શકાશે નહીં. ઉપરાંત રાજ્ય સરકાર નક્કી કરેલા લેવલની કમ્પ્યૂટરની પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ તેવી જોગવાઈ અમલમાં હતી. જો કે, હવે વિનિયમમાં ફેરફાર થતાં સીધી ભરતીથી જુનિયર ક્લાર્ક ભરવા માટેની જોગવાઈમાં કોઈ વ્યક્તિને અઢાર વર્ષની ઉંમર પ્રાપ્ત કરી હોય અને કાયદાથી સ્થપાયેલી ભારતમાંની કોઈ પણ યુનિવર્સિટીની કોઈ પણ વિદ્યાશાખામાં સ્નાતકની પદવી અથવા તેને સમકક્ષ લાયકાત ધરાવતા હોય તે સિવાય જુનિયર કારકુન તરીકે નિમી શકાશે નહીં. આમ, અગાઉ જુનિયર ક્લાર્કની ભરતી માટે ધોરણ-12 પાસ ઉમેદવારો માન્ય ગણાતા હતા. તેના બદલે હવે ગ્રેજ્યુએટ થયેલા ઉમેદવારો જ જુનિયર ક્લાર્ક તરીકે સ્કૂલોમાં ફરજ બજાવી શકશે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે,  માધ્યમિક શાળામાં કામ કરતા અને ધોરણ-10ની લાયકાત ધરાવતા પટાવાળાઓને બઢતીની તકો મળી રહે તે માટે જુનિયર કારકુનની લાયકાત ધરાવતા પટાવાળાઓ માટે જુનિયર કારકુનની જગ્યા સીધી ભરતીથી નહીં ભરતા જે શાળામાં વર્ગ-4ના કોઈ કર્મચારી કારકુન થવાની લાયકાત ધરાવતા હોય અને પટાવાળા તરીકે ઓછામાં ઓછા ચાર વર્ષની સળંગ નોકરી હોય તેવા પટાવાળાઓને જુનિયર કારકુન તરીકે બઢતી આપીને જગ્યા ભરતી હતી. જોકે, નવી જોગવાઈમાં સીધી ભરતીથી જુનિયર ક્લાર્કની જગ્યા ભરવાની મંજૂરી અપાઈ છે. જેમાં શાળામાં લાયકાત ધરાવતા પટાવાળા ઉપલબ્ધ ન હોય તો જુનિયર ક્લાક્રની જગ્યા સીધી ભરતીથી ભરવાની રહેશે તેવી મંજૂરી અપાઈ છે. જ્યારે નવી જોગવાઈમાં પણ કમ્પ્યૂટરને લગતી વિવિધ પરીક્ષાઓ પૈકી સરકાર દ્વારા માન્ય પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ તે જોગવાઈ યથાવત રાખવામાં આવી છે.