- JDUના નેતા નીરજકુમારે સરમાને કર્યા આકરા સવાલ
- સીએમએ પોતાના નિર્ણયનો કર્યો બચાવ
નવી દિલ્હીઃ આસામ વિધાનસભામાં નમાઝ માટેના બે કલાકના વિરામને નાબૂદ કરવાના નિર્ણયને લઈને આસામના મુખ્યમંત્રી હિમંતા સરમાને વિપક્ષ દ્વારા ઘેરવાના પ્રયાસો કરવામાં આવી રહી છે. દરમિયાન એનડીએના સહયોગીઓએ પણ આસામના સીએમ સરમાના નિર્ણય પર નારાજગી વ્યક્ત કરી છે. NDAના સહયોગી JDU અને LJPએ આસામના સીએમના નિર્ણયની ટીકા કરી છે. જો કે આસામના સીએમએ પોતાના નિર્ણયનો બચાવ કર્યો છે.
જેડીયુના નેતા નીરજ કુમારે જણાવ્યું હતું કે, આસામ વિધાનસભાનો નિર્ણય બંધારણના માપદંડોની વિરુદ્ધ છે. તેમણે આસામના સીએમને પૂછ્યું કે શું તેઓ આસામના કામાખ્યા મંદિરમાં બલિદાનની પ્રથા બંધ કરી શકે છે. નીરજ કુમારે કહ્યું, ‘હું આસામના મુખ્યમંત્રીને પૂછવા માંગુ છું કે, તમે શુક્રવારે નમાઝ માટે વિરામ પર પ્રતિબંધ લગાવો અને કહો કે આનાથી કામ કરવાની સંભાવના વધી જશે. હિંદુ ધર્મનો એક મહત્વપૂર્ણ ભાગ, કામાખ્યા મંદિરના દરવાજા યજ્ઞની વિધિ દરમિયાન ખુલે છે…શું તમે આ ‘બલિ વિધિ’ને રોકી શકો છો? ધાર્મિક પ્રથાઓ પર હુમલો કરવાનો કોઈને અધિકાર નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, LJP દિલ્હીના અધ્યક્ષ રાજુ તિવારીએ પણ આસામ સરકારના નિર્ણયની ટીકા કરી છે. તેમણે કથિત રીતે દલીલ કરી હતી કે ધાર્મિક પ્રથાની સ્વતંત્રતાનું સન્માન કરવું જોઈએ.
આસામના સીએમ હિમંતા બિસ્વા સરમાએ તેમની સરકારના નિર્ણયનો બચાવ કરતા કહ્યું કે, ‘શુક્રવારની નમાઝ માટેના બે કલાકના વિરામને નાબૂદ કરવાનો નિર્ણય માત્ર મુખ્યમંત્રીનો નિર્ણય નથી પરંતુ તે વિધાનસભાના તમામ હિન્દુ મુસ્લિમ ધારાસભ્યોનો નિર્ણય છે. જ્યારે વિધાનસભા અધ્યક્ષે આ નિર્ણયની જાહેરાત કરી ત્યારે કોઈપણ મુસ્લિમ ધારાસભ્યએ તેની સામે કોઈ વાંધો ઉઠાવ્યો ન હતો. રાજ્ય વિધાનસભાના 126 ધારાસભ્યોમાંથી 25 મુસ્લિમ છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, આસામના સીએમએ લખ્યું કે, ‘કોંગ્રેસે પણ આસામમાં શુક્રવાર બ્રેક નાબૂદ કરવાના નિર્ણયને ટેકો આપ્યો છે. બિહાર કે દેશની અન્ય કોઈ વિધાનસભામાં આવો વિરામ નથી. મને આશ્ચર્ય થાય છે કે આસામની બહારના લોકો વિચાર્યા વગર તેનો વિરોધ કરી રહ્યા છે.