સુરેન્દ્રનગરઃ કચ્છના નાના રણ તરીકે ઓળખાતો વિસ્તાર પાટડી, ખારાઘોડાથી લઈને છેક હળવદ સુધી પથરાયેલો છે. આ રણ વિસ્તારમાં ઘૂડસર અભ્યારણ્ય આવેલુ હોવાથી વર્ષોથી કામ કરી રહેલા હોય એવા અગરિયાઓને તંત્ર દ્વારા ઓળખપત્રો આપવામાં આવ્યા છે. અને મીઠાંની સીઝનમાં જે અગરિયાઓ પાસે ઓળખકાર્ડ હશે તેમને જ વન વિભાગ દ્વારા પ્રવેશ આપવામાં આવશે. જો કે અગરિયાઓ દ્વારા વન વિભાગના આ નિયમોનો ભારે વિરોધ કરવામાં આવ્યો હતો. અને મહિના પહેલા સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતુ. પરંતુ સરકાર આઈકાર્ડ ધરાવતા અગરિયાઓને જ પ્રવેશ આપવા મક્કમ છે. અને આગામી દિવસોમાં મીઠુ પકવવાની સીઝનમાં આઈકાર્ડ જે અગરિયા પાસે હશે. તેને જ પ્રવેશ આપવામાં આવશે.
ધ્રાંગધ્રા નાયબ વન સંરક્ષક દ્વારા બહાર પડાયેલી વિગતો મુજબ ઘુડખર અભયારણ્ય વિસ્તારનો સર્વે સેટલમેન્ટ અહેવાલ અધિક કલેકટર સર્વે અને સેટલમેન્ટ ઘુડખર અભયારણ્ય, સુરેન્દ્રનગર દ્વારા સરકારમાં રજૂ કર્યો છે. જે અહેવાલને માન્ય ગણી અગ્ર મુખ્ય વન સંરક્ષક વન્યજીવ ગુજરાત રાજ્ય દ્વારા સર્વે સેટલમેન્ટ અહેવાલમાં હક્ક ધરાવતા અગરિયાઓને અગરકાર્ડ આપી પ્રવેશ આપવાની સૂચના છે. તે મુજબ સર્વે સેટલમેન્ટ હીત ધરાવતા અગરિયાઓને અગરકાર્ડ આપવાની પ્રક્રિયા ચાલુ છે. જે અગરકાર્ડ ધરાવતા અગરિયાઓને જ આગામી નવી સિઝનથી અભ્યારણ્ય વિસ્તારમાં પ્રવેશ આપવાનો રહે છે.
વન વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, ઘુડખર અભયારણ્ય, ધ્રાંગધ્રાની વિભાગીય કચેરી ખાતે ગ્રામ પંચાયતો તથા સુરેન્દ્રનગર, મોરબી, કચ્છ તથા પાટણ જિલ્લાના અરજદારો દ્વારા કચ્છના નાના રણમાં જઈ વર્ષોની પરંપરા મુજબ મીઠાની ખેતીનું મુહૂર્ત અને મીઠાની સિઝન શરૂ કરવા બાબતે રજૂઆતો મળી હતી. આથી સર્વે સેટલમેન્ટ અહેવાલમાં હક્ક હીત ધરાવતા અગરિયાઓએ રેંજ કચેરીમાંથી અગરકાર્ડ મેળવી લેવાના રહેશે. તથા તે જ વ્યક્તિને અભયારણ્ય વિસ્તારમાં પ્રવેશ આપવામાં આવશે. આ સિવાયના ઇસમો અભ્યારણ્ય વિસ્તારમાં પ્રવેશ કરશે તો તેઓની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.