અમદાવાદઃ શહેરમાં કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં સૌથી વધુ કેસ અમદાવાદમાં નોંધાઈ રહ્યા છે. ત્યારે લોકોને કોરોનાની ગાઈડ લાઈનનું ચુસ્તપણે પાલન કરવાની અપીલ કરવામાં આવી છે. જ્યારે શહેરના જાહેર પરિવહનની બસ સેવા તેમજ જોહેર બાગ-બગીચાઓમાં પણ વેક્સિનના બે ડોઝ લીધાના સર્ટી.ના આધારે જ લોકોને પ્રવેશ પવામાં આવશે. જ્યારે મ્યુનિ.ની તમામ કચેરીઓમાં મુલાકાતે આવતાં નાગરિકો પાસે જો બે વેક્સિનનું સર્ટિફિકેટ હોય તો જ તેમને પ્રવેશ આપવામાં આવે તેવી સ્પષ્ટ સૂચના મ્યુનિ. કમિશનરે આપી છે.
શહેરમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. કોવિડની સ્થિતિને ધ્યાને લેતાં મ્યુનિ. કમિશનરે એક મહત્ત્વનો નિર્ણય લીધો છે. જેમાં મ્યુનિ.ની કચેરી ઉપરાંત તમામ ઝોનલ ઓફિસ, સબ ઝોનલ ઓફિસમાં તેમજ અન્ય સ્થળે આવેલા કચેરીઓમાં જે નાગરિકો મુલાકાત માટે આવ્યા હોય તેમને બુથ પર જ પ્રવેશ પાસ આપતાં પહેલા કોરોના રસીના બંને ડોઝ લીધા છેકે કેમ? તે પ્રમાણપત્ર ચકાસીને જ પ્રવેશ પાસ ઇસ્યુ કરવાનો રહેશે. જે બાબતે મ્યુનિ. દ્વારા શનિવારથી કાર્યવાહી ચાલુ કરવામાં આવી છે. સિક્યુરિટી ગાર્ડ પણ મુલાકાતી પાસે વેક્સિન સર્ટિ માગી શકે છે.
મ્યુનિ.એ અગાઉ બનાવેલા નિયમ મુજબ વેક્સિનના બંને ડોઝ ન લીધા હોય તો એએમટીએસ, બીઆરટીએસ જેવી બસ સેવા તેમજ રિવરફ્રન્ટ અને જાહેર સ્થળોએ પ્રવેશ પર પ્રતિબંધ છે. જો કે, આ નિયમનો કડક રીતે અમલ થતો હોય તેમ લાગતું નથી. વેક્સિન સર્ટી બતાવીને જ પ્રવાસ કરવા દેવાનો નિયમ તો બનાવ્યો છે. પણ તેનો કડકાઈથી અમલ કરાતો નથી. કારણ કે વેક્સિનના સર્ટી. તપાસ કરવા માટેની એએમટીએસ કે બીઆરટીએસ પાસે કોઈ અલાયદી વ્યવસ્થા જ નથી.