સ્વચ્છતા સર્વેક્ષણમાં ટોપ ટ્વેન્ટીમાં ગુજરાતના માત્ર બે સિટી, સુરત પ્રથમ ક્રમે, અમદાવાદ 15માં સ્થાને
અમદાવાદઃ દેશના મહાનગરોમાં સ્વચ્છ ભારત મિશન 2.0 અંતર્ગત સ્વચ્છતા સર્વેક્ષણ 2023નું પરિણામ જાહેર કરાતા ટોપ ટ્વેન્ટીમાં ગુજરાતના બે શહેરો સુરત અને અમદાવાદનો સમાવેશ થયો છે. જેમાં સુરતે પ્રથમ ક્રમ મેળવીને દેશમાં ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. જ્યારે અમદાવાદ શહેરે 15મો રેન્કિંગ હાંસિલ કર્યો છે. જ્યારે વડોદરા શહેર 14માં નંબરેથી 33માં નંબરે ધકેલાઈ ગયું છે. ઉપરાંત રાજકોટનું સ્થાન ગત વર્ષ કરતા ઘટીને 29માં ક્રમે ઉતર્યુ છે.
દેશનાં સૌથી સ્વચ્છ શહેરોમાંથી સુરતે પ્રથમ ક્રમાંક મેળવીને બાજી મારી છે. સુરતને સ્વચ્છતા સર્વેક્ષણ-2023માં દેશના સૌથી સ્વચ્છ શહેરનો એવોર્ડ મળ્યો છે. છેલ્લા થોડા સમયથી સુરત મ્યુનિ.કોર્પોરેશન દ્વારા દેશભરમાં સ્વચ્છતામાં પ્રથમ નંબર આવવા માટે મથામણ કરવામાં આવી રહી હતી. પરંતુ હંમેશાં બીજા નંબર પર સુરત શહેર રહી જતું હતું. આ વખતે સુરત મ્યુનિ.એ ટીમવર્ક બતાવ્યું અને એકસાથે પ્રયત્નો કરીને પોતે સિદ્ધિ હાંસલ કરી લીધી છે. સુરતને સ્વચ્છતા સર્વેક્ષણ-2023 માટે દેશભરનાં શહેરોના રેન્ક જાહેર કરાયો એમાં નંબર વનનો રેન્ક મળ્યો છે. આ વર્ષે દેશનાં સ્વચ્છ શહેરોમાં નંબર 1 બનવા સુરત અને ઇન્દોર વચ્ચે જબરદસ્ત ટક્કર હતી. સતત 3 વર્ષથી દેશમાં સ્વચ્છતામાં બીજા નંબરે આવતું સુરત શહેર ગયા વર્ષે માત્ર 221 માર્ક્સથી જ નંબર વનનો ખિતાબ મેળવતાં રહી ગયું હતું. ત્યારે આ વર્ષે ઈન્દોરની સાથે સંયુક્ત રીતે નંબર વનનો રેન્ક મેળવવામાં સફળતા મળી છે.
અમદાવાદનો 15મો રેન્કિંગ આપવામાં આવ્યો છે. ગત વર્ષે સ્વચ્છતા સર્વેક્ષણમાં અમદાવાદનો 18મો ક્રમ હતો. જે હવે 15માં ક્રમે પહોંચ્યું છે. શહેરના સૌથી મોટા કચરાના ડુંગર એવા પીરાણા ડમ્પિંગ સાઈટ અને પ્રોસેસિંગ પ્લાન્ટની ધીમી કામગીરીના કારણે શહેર સ્વચ્છતાના ટોપ ટેન રેન્કમાં સ્થાન મેળવી શક્યું નથી. દરેક જગ્યાએ ડસ્ટબીન રાખેલા હતા. જોકે કેટલીક જગ્યાએ સ્વચ્છતા કર્યા બાદ ત્યાં લોકોએ જાહેર રોડ ઉપર કચરો ફેંક્યો હોય તેવા પણ દૃશ્યો દેખાયા હતા. જો કે ગત વર્ષ કરતાં શહેરમાં સ્વચ્છતામાં સુધારો થયો હોવાનું રેન્કિંગ પ્રમાણે જણાય છે. કેટલાક વિસ્તારોમાં નાગરિકોની બેદરકારી અને નાગરિકો જ કચરો ફેંકતા હોવાનું જોવા મળ્યું હતું. રોડ ઉપર જ્યાં પણ પશુઓ દેખાય ત્યાં ખવડાવતા હતા. વસ્તુઓ જ રોડ ઉપર ફેંકી દેતા હતા, જેના કારણે રોડ ઉપર ગંદકી જોવા મળી હતી. અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર એમ. થેન્નારેસન ચાર્જ લીધા બાદ તેઓ સ્વચ્છતા ઉપર જ વધુ ભાર મુકી રહ્યા છે. દરેક સ્થળ ઉપર સ્વચ્છતા જળવાઈ રહે તેના માટેના પ્રયાસ કરી રહ્યા છે. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના અધિકારીઓને કર્મચારીઓ દ્વારા શહેરમાં દિવસ અને રાત એમ બંને ટાઈમ સફાઈ કરવામાં આવે છે, જેના કારણે શહેર સ્વચ્છ જણાય છે.