ગુજરાતમાં આઈટીના ધીમા સર્વરને લીધે 73.83માંથી માત્ર બે લાખ કરદાતાઓ રિટર્ન ફાઈલ કરી શક્યા
અમદાવાદઃ ગુજરાતમાં ઈન્કમટેક્સનું રિટર્ન ફાઈલ કરનારા 73 લાખ જેટલાં કરદાતાઓ છે. આઈટી રિટર્ન ફાઈલ કરવાની છેલ્લી તારીખ 31મી જુલાઈ છે. તેના લીધે કરદાતાઓ ઓનલાઈન રિટર્ન ફાઈલ કરી રહ્યા છે. પરંતુ સર્વર ધીમુ ચાલતું હોવાને કારણે માત્ર બે લાખ જેટલા કરદાતાઓ રિટર્ન ફાઈલ કરી શક્યા છે. જોકે રિટર્ન ફાઈલ કરવાના હજુ 20 દિવસ જેટલો સમય બાકી છે. એટલે છેલ્લા દિવસોમાં રિટર્ન ફાઈલ માટે વધુ ધસારો થશે.
સૂત્રોના કહેવા મુજબ રાજ્યમાં ઇન્કમટેકસ રિટર્ન ભરવાની મુદત નજીક આવતા સર્વર ઠપ થઇ જતા કરદાતા અને ટેક્સ કન્સલ્ટન્ટ મુશ્કેલીમાં મુકાયા છે. છેલ્લા બે દિવસથી ઇન્કમટેકસનું સર્વર ધીમું ચાલવાના કારણે સમગ્ર રાજ્યમાંથી માત્ર 2 લાખ કરદાતાઓ જ પોતાના રિટર્ન ફાઇલ કરી શક્યા છે. કરદાતાઓએ તા. 31 જુલાઇ સુધીમાં પોતાના રિટર્ન ફાઇલ કરવાના હોવાથી હવે માત્ર 20 દિવસ બાકી રહ્યાં છે. ઇન્કમટેક્સના પગારદાર કરદાતા અને વ્યક્તિગત કરદાતાઓના રિટર્ન ફાઇલ કરવાની મુદત તા. 31 જુલાઇ 2024 છે. આ મુદત પહેલા રિટર્ન ફાઇલ કરવાના હોવાથી હવે સીએ અને ટેક્સ કન્સલ્ટને ત્યાં ધસારો વધી રહ્યો છે. બીજી તરફ ઇન્કમટેકસ સર્વર બે દિવસથી ખૂબ ધીમું ચાલતું હોવાથી કરદાતા લોગીન થઇ શકતા નથી. આ ઉપરાંત સર્વર પર એઆઇએસ અને ટીઆઇએસ સ્ટેટમેન્ટ અપડેટ થયા ન હોવાથી કરદાતા પોતાના રિટર્ન ફાઇલ કરી શકતા નથી.
ટેક્સ કન્સલ્ટન્ટના જણાવ્યા મુજબ સર્વર ખૂબ ધીમું ચાલતું હોવાથી રિટર્ન ફાઇલ કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સમગ્ર રાજ્યમાં કુલ 73,83, 611 પગારદાર અને વ્યક્તિગત કરદાતાઓ રિટર્ન ફાઇલ કરે છે. જેમાંથી અત્યાર સુધીમાં રાજ્યમાંથી માત્ર 2,11,235 કરદાતાઓ રિટર્ન ફાઇલ કર્યા છે. કરદાતાઓના રિટર્ન ફાઇલ કરવાની મુદતને હવે માત્ર 20 દિવસ બાકી રહ્યાં છે. ત્યારે સમગ્ર દેશમાં 2,11,23,583 કરદાતાઓ રિટર્ન ફાઇલ કર્યા છે. જેમાંથી ગુજરાતના માત્ર બે લાખ કરદાતાઓએ જ રિટર્ન ફાઇલ કરી શકયા છે. બીજી તરફ ઇન્કમટેકસ પોટર્લ ખૂબ ધીમું ચાલતું હોવાથી રિટર્ન ફાઇલ થઇ શકતું ન હોવાથી આ રિટર્ન ફાઇલ કરવાની મુદત એક મહિનો વધારવી જરૂરી છે. એવી માગ ઊઠી છે.