યલો નંબર પ્લેટના વાહનો જ ઓલા, ઉબેર સહિત કારસેવામાં ચલાવી શકાશે, નહીં તો RTO પગલાં લેશે
અમદાવાદઃ ગુજરાતમાં ટ્રાવેલર્સ અને ભાડાની ટેક્સી ચલાવતા વાહનોને આરટીઓમાંથી ટેક્સી પાસિંગ કરાવવું ફરજિયાત છે. અને આવા વાહનોની રજિસ્ટ્રેશન નંબર પ્લેટ યલો કલરની હોય છે. એટલે કે માત્ર પ્રાઈવેટ કારની નંબર પ્લેટ સફેદ હોય છે. જ્યારે પબ્લિક ટ્રાન્સપોર્ટના તમામ વાહનોમાં નંબર પ્લેટ યલો કલરની હોય છે. ત્યારે અમદાવાદ શહેરમાં ઓલા અને ઉબર સહિતની કારસેવાઓમાં વાહનોની નંબર પ્લેટ સફેદ કલરમાં જોવા મળી રહી છે. આથી આરટીઓએ પબ્લિક સેવામાં ઉપયોગમાં લેવાતા વાહનોના ટેક્સિપાસિંગ નહીં હોય તો દંડનીય કાર્યવાહી કરવાની સુચના આપવામાં આવી છે. આરટીઓએ એક પરિપત્ર કરીને વાહનચાલક તથા રાઈડ બુક કરતા મુસાફરો સફેદ કલરની નંબર પ્લેટના વાહન રાઈડ કરી શકશે નહિ.
સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ શહેરમાં ઉબર અને ઓલા સહિત વિવિધ કંપનીઓ કારસેવા આપી રહી છે. અને કંપનીઓ દ્વારા ડ્રાઈવર સાથે કાર કોન્ટ્રાક્ટ પર લેવામાં આવતી હોય છે. જેમાં ટેક્સી પાસિંગ ન હોય અને ખાનગી રજિસ્ટ્રેશન ધરાવતી કારને પણ કોન્ટ્રાક્ટ પર લેવામાં આવી રહી છે. આરટીઓના ધ્યાન પર આ બાબત આવતા પરિપત્ર કરીને કારસેવાની વેબ કંપનીઓ તેમજ કાર માલિકોને પણ કડક સુચના આપવામાં આવી છે. આરટીઓ દ્વારા જ ટુંક સમયમાં ચેકિંગ હાથ ધરવામાં આવશે. પ્રવાસીઓની હેરાફેરી કરતી કારને ટેક્સિ પાસિંગ કરાવ્યું નહીં હોય તો કડક દંડનિય કાર્યવાહી કરવામાં આવશે.
સૂત્રોએ વધમાં જણાવ્યું હતું કે, પ્રાદેશિક વાહન વ્યવહારની કચેરીના ધ્યાન આવ્યું હતું કે, કેટલાક વાહનચાલકો સફેદ કલરની નંબર પ્લેટ છે, જે નોન ટ્રાન્સપોર્ટ વાહનમાં હોય છે. તે નંબરપ્લેટના આધારે પણ ટેક્સી સેવા પૂરી પાડે છે જે પ્રતિબંધિત છે. જેથી, કચેરી દ્વારા એપ્લિકેશનનો ઉપયોગ કરી રાઈડ બુક કરતા મુસાફરો તથા વાહનચાલકો માટે પરિપત્ર જાહેર કરાયો છે. જેમાં જણાવાયુ છે. કે, આ પ્રકારના વાહન રાઈડ કરી શકે નહીં. કોઈ વાહનચાલક આ પ્રકારે રાઈડ કરશે તો તેની સામે RTO દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. અગાઉ પણ RTO દ્વારા ખાનગી કંપનીમાં લાયસન્સ કે પરવાનગી વિના ટેક્સી સેવા પૂરી પાડતા વાહનચાલક સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી.