Site icon Revoi.in

યુવાનો જ દેશ અને સમાજને નવી ઉંચાઈએ લઈ જઈ શકે છેઃ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર

Social Share

નવી દિલ્હીઃ કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરે નવી દિલ્હીના સંસદના સેન્ટ્રલ હોલમાં રાષ્ટ્રીય યુવા સંસદ મહોત્સવ (NYPF) 2022ની ત્રીજી આવૃત્તિના રાષ્ટ્રીય રાઉન્ડના ઉદ્ઘાટન સત્રને સંબોધિત કર્યું હતું. યુવા બાબતો અને રમતગમત રાજ્ય મંત્રી શ્રી નિશિથ પ્રામાણિક પણ આ કાર્યક્રમમાં સામેલ થયા હતા. યુવા બાબતો અને રમત-ગમત સચિવ, સુજાતા ચતુર્વેદી, રાજ્યસભાના મહાસચિવ પીસી મોદી અને મંત્રાલય અને સંસદના અન્ય અધિકારીઓ પણ આ પ્રસંગે હાજર હતા.

આ પ્રસંગ્રે કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું, “આ વર્ષના રાષ્ટ્રીય યુવા સંસદ મહોત્સવની થીમ ‘નવા ભારતનો અવાજ બનો અને ઉકેલો શોધો અને નીતિમાં યોગદાન આપો’ છે. હું તમને બધાને વિનંતી કરું છું કે ઘન કચરાના વ્યવસ્થાપન, ભૂખ નાબૂદ, લિંગ સમાનતા, સસ્તી અને સ્વચ્છ ઊર્જા, સ્વચ્છ પાણી અને સ્વચ્છતા જેવા ઉદ્દેશ્યને આગળ વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરો. આપણે આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવીએ છીએ ત્યારે હું તમને પણ વિનંતી કરું છું કે આપણે અત્યાર સુધી કરેલી પ્રગતિની ચર્ચા કરો અને જ્યારે આપણે ભારતની આઝાદીના 100 વર્ષ ઉજવીએ ત્યારે ભારતમાં પરિવર્તન લાવવાના ઉકેલોની કલ્પના કરો. આરોગ્ય, રમતગમત, મીડિયા, પરિવહન, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, વિદેશી બાબતોના ક્ષેત્રમાં યુવાનો શું કરી શકે છે જે એક અબજ લોકોના જીવનમાં પરિવર્તન લાવશે? 1 અબજ લોકો માનવતાના ભાવિ અને ‘જીવવાની સરળતા’ માટે શું યોગદાન આપી શકે છે?”

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, સ્વામી વિવેકાનંદની વિચારધારાને આગળ લઈ જઈને રાષ્ટ્રીય યુવા સંસદે યુવાનોમાં નેતૃત્વના ગુણો વિકસાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે. સ્વામી વિવેકાનંદની વિચારધારામાંથી પ્રેરણા મેળવવા યુવાનોએ આ તકનો ઉપયોગ કરવો જોઈએ, એમ મંત્રીએ વિનંતી કરી હતી. આત્મનિર્ભર ભારત વિશે વાત કરતા ઠાકુરે કહ્યું કે જ્યારે આખું વિશ્વ રોગચાળા દરમિયાન સંઘર્ષ કરી રહ્યું હતું, ત્યારે ભારત આ અવસર પર ઊભું થયું અને આપણે બધાએ પરિસ્થિતિને પહોંચી વળવા માટે એકસાથે કામ કર્યું. આ સાથે, અમે વિશ્વ સમક્ષ એક દાખલો બેસાડ્યો છે કે યોગ્ય દ્રષ્ટિ અને નેતૃત્વ સાથે, આપણે બધી પ્રતિકૂળતાઓનો સામનો કરી શકીએ છીએ. યુવાનોએ પણ આ ગુણને આત્મસાત કરવો જોઈએ અને જ્યારે આપણે 100 વર્ષના થઈએ ત્યારે આપણા રાષ્ટ્ર માટે અજાયબીઓ હાંસલ કરવા માટે એકતાની ભાવનાથી દેશને આગળ લઈ જવો જોઈએ. તેમણે પુનરોચ્ચાર કર્યો કે યુવાનોની ભાવના અને ભાગીદારી છે જેના દ્વારા દેશનો પાયો નાખવામાં આવે છે, યુવાનો જ દેશ અને સમાજને નવી ઉંચાઈએ લઈ જઈ શકે છે, યુવાનો જ દેશનું વર્તમાન છે અને ભૂતકાળ અને ભવિષ્ય વચ્ચેનો સેતુ પણ છે.