રાજકોટ એઈમ્સમાં ડિસેમ્બર મહિનાથી ઓપીડી સેવા કરાશે શરૂ
અમદાવાદઃ ગુજરાતની પ્રથમ એઈમ્સના નિર્માણની કામગીરી ચાલી રહી છે. દરમિયાન રાજકોટ એઈમ્સમાં આગામી ડિસેમ્બરથી ઓપીડી શરૂ કરીને દર્દીને સેવાઓ આપવાનો પ્રારંભ કરવામાં આવશે. તેમ કલેક્ટર કચેરીમાં યોજાયેલી સમીક્ષા બેઠકમાં એઈમ્સના અધિકારીઓએ જણાવ્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ એઈમ્સની બિલ્ડીંગની કામગીરી ચાલી રહી છે. જો કે, તે પહેલાં મેડિકલ કોલેજ ચાલુ થઈ ચૂકી છે ત્યારે દર્દીઓને પણ ચકાસીને નિદાન સારવારની કામગીરી કરવામાં આવશે. જે દર્દીઓને વધુ સારવારની જરૂર હશે તેને હાલના તબક્કે સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવશે. કલેક્ટર રેમ્યા મોહને એઈમ્સના પ્લાનની તેમજ હાલ ચાલી રહેલી બાંધકામની વિગતો મેળવી હતી.
ગુજરાતની પહેલી એઈમ્સ રાજકોટને ફાળવ્યા બાદ પીએમ નરેન્દ્ર મોદીએ તેનું ભૂમિપૂજન કર્યું હતું. તંત્ર દ્વારા 2022માં આ સંસ્થા કાર્યરત કરી દેવામાં આવશે. એટલું જ નહીં એઈમ્સની સાથે હિરાસર ખાતે આકાર લઈ રહેલાં સૌરાષ્ટ્રના પ્રથમ ઈન્ટરનેશનલ એરપોર્ટની પણ સમીક્ષા કરવામાં આવી હતી. બંને પ્રોજેક્ટ સરકાર માટે મહત્વકાંક્ષી હોવાથી અધિકારીઓ દ્વારા તેની સતત કાળજી રાખવામાં આવી રહી છે. એરપોર્ટ માટે નડતર એવો એક ચેકડેમ બીજા બે બનાવાયાની પણ ચર્ચા થઈ હતી.