રાજ્યમાં તમામ મહાનગરોમાં ઉદ્યોગોના વણ ઉકેલ્યા પ્રશ્નો માટે ‘ઓપન-હાઉસ’નું આયોજન કરાશે
ગાંધીનગરઃ રાજ્યમાં કોરોનાના કેસમાં ઘટાડો થતા સરકારે નિયંત્રણોમાં છૂટછાટ આપતા રોજગાર-ધંધા રાબેતા મુજબ બન્યા છે, કોરોના મહામારીને પગલે અનેક ઉદ્યોગોએ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે વિવિધ પ્રકારના ઉદ્યોગોની સમસ્યાઓનાં નિરાકરણ માટે ઉદ્યોગ અને ખાણ વિભાગે પહેલી જુલાઈથી રાજયનાં તમામ પ્રમુખ શહેરો ખાતે ઉદ્યોગો માટે ‘ઓપન હાઉસ’ આયોજીત કરવાની યોજના બનાવી છે.
અત્યાર સુધી ઉદ્યોગપતિઓને પોતાનાં વિવિધ પ્રકારનાં મુદાઓ અને સમસ્યાઓનાં સાવધાન માટે ગાંધીનગર સુધી લાંબુ થવુ પડયુ હતું જયારે હવે સંબંધીત વિભાગોનાં વરિષ્ઠ અધિકારીઓ ઔદ્યોગીક કેન્દ્રોની મુલાકાત લેશે તેમજ ઉદ્યોગોને નડતી તમામ બાબતોને તેમનાં સ્થાને જ ઉકેલશે.
ઉદ્યોગો અને ખાણ ઉદ્યોગનાં એડીશ્નલ ચીફ સેક્રેટરી રાજીવ ગુપ્તાએ તાજેતરમાં જ વિવિધ ઔદ્યોગીક કેન્દ્રોને સતાવતા મુદાઓને સમજવા માટે 20થી વધુ પ્રમુખ ઔદ્યોગિક સંઘ સાથે બેઠકની એક શ્રૃંખલા આયોજીત કરી છે. તેમણે જણાવ્યું કે, મુખ્યમંત્રીએ તમામ મુદાઓને હલ કરવા માટે ‘ઓપન હાઉસ’નાં આયોજનનો નિર્દેશ કર્યો છે.
તેમાં પણ ખાસ કરીને એમએસએમઈનાં પ્રશ્ર્નો પર વિશેષ ધ્યાન આપવાની વાત કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે, ઉદ્યોગો તેમજ એમએસએમઈ (નાના, લઘુ અને મધ્યમ ઉદ્યોગો)નાં પ્રશ્ર્નોનાં હલ માટે આયોજીત કરવામાં આવનારા ઓપન હાઉસમાં ઉપસ્થિત રહેવા તમામ અધિકારીઓને સૂચના આપવામાં આવી છે. જેમાં ખાસ કરીને ઈન્ડસ્ટ્રી કમિશ્નર, એમએસએનઈ કમિશ્નર, ભૂવિજ્ઞાન અને ખાણનાં કમિશ્નરની સાથોસાથ ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડનાં અધિકારીઓ ઉપરાંત અન્ય તમામ લાઈન વિભાગ અને સ્થાનિક જીલ્લા અધિકારીઓનો સમાવેશ થાય છે.
રાજીવ ગુપ્તાએ ઉમેર્યુ કે, એસોસીએશનનાં કોઈપણ સભ્ય કે કોઈપણ ઉદ્યોગપતિ ઓપન હાઉસ માં જઈ પોતાની સમસ્યાઓ જણાવી શકે છે. સંબંધીત અધિકારીઓએ એક જ દિવસમાં વધુમાં વધુ મુદાઓનો ઉકેલ મળી જાય તેવાં પ્રયાસો કરવાના રહેશે તેમજ જો મુદાઓ નીતિ પ્રકારનાં છે તો તે તમામ મુદાને એકઠાં કરી, આ નીતિગત મુદાને ઉકેલવા માટે સરકારને જાણ કરવાની રહેશે. પ્રમુખ ઔદ્યોગીક કેન્દ્રો પર આ પ્રકારના ‘ઓપન હાઉસ’ નિયમિત રીતે યોજવામાં આવશે જેમાં સ્થાનીક ઉદ્યોગો સંઘો સામેલ થઈ શકશે. ગુપ્તાએ જણાવ્યું કે, ‘અમે વિવિધ ઉદ્યોગો સમર્થક નીતિઓ અને યોજનાઓનાં પ્રસાર અને પ્રચાર માટે ‘ઓપન હાઉસ’ ફોરમનો ઉપયોગ કરવાનો નિર્દેશ કર્યો છે. જેનાં કારણે રાજય સરકારની ઉદ્યોગલક્ષી યોજનાઓનો વધુને વધુ લાભ ઉદ્યોગોને મળી શકે. ‘ઓપન હાઉસ’ને કારણે વ્યાપારમાં સરળતા તેમજ ઈઓડીબી રેન્કીંગમાં સુધારો મળવાની આશા છે.