Site icon Revoi.in

સરકારે જાહેર કરેલા ટેકાના ભાવ કરતા ખેડુતોને ખૂલ્લા બજારમાં મગફળીના વધુ ભાવ મળી રહ્યા છે

Social Share

જામનગર : જિલ્લામાં અતિવૃષ્ટીને લીધે મગફળીના ઉત્પાદનમાં ઘટાડો થયો છે પણ આ વર્ષે ખેડુતોને ધારણા કરતા વધુ ભાવ મળી રહ્યા છે. જિલ્લામાં ટેકાના ભાવે મગફળીના વેચાણ માટે 33 હજારથી વધુ ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવી ભારે ઉત્સાહ સરકાર સમક્ષ દેખાડયો હતો પરંતુ ટેકાના ભાવે ખરીદી પ્રક્રિયાનો પ્રારંભ કરાયો હોવા છતાં ખેડૂતો દ્વારા નિરઉત્સાહ દર્શાવવામાં આવી રહ્યો છે, જ્યારે બીજી બાજુ ખૂલ્લા બજારમાં ખૂબ જ ઉંચા ભાવ મળતા હોવાથી ખેડૂતોએ દિશામાં વળ્યા છે. સરકાર ટેકાના ભાવે રૂપિયા 1110માં પ્રતિ 20 કિલો મગફળી ખરીદી રહી છે. જ્યારે ખૂલ્લા બજારમાં ખેડુતોને મગફળીના ભાવ 1200થી લઈને 1665 મળી રહ્યા છે.

જામનગરના હાપા માર્કેટ યાર્ડમાં મગફળીની જાહેર હરરાજી શરૂ થતાં તેમાં મગફળીના મણ દીઠ રૂ.1665 સુધીના સૌથી ઉંચા ભાવ બોલાયા હતાં. ખેડૂતોએ 230 બોરીનો મોટો જથ્થો આ હરરાજીમાં વેંચાણ કર્યો હતો. 400 મણ એટલે 8050 કિલો મગફળી ગુજરાતભરમાં સૌથી ઉંચા ભાવ ખેડૂતોને મળ્યા હતાં. ખૂલ્લા બજારમાં ટેકાના ભાવે ખરીદાતી મગફળીના ભાવ કરતા મણ દીઠ ખેડૂતોને અંદાજે રૂ.650નો ભાવ વધારે મળતાં ખેડૂતોનો પ્રવાહ હાપા યાર્ડમાં થતી હરરાજીમાં મગફળીનું વેચાણ કરવા માટે વળ્યો છે. આજે પુન: હાપા યાર્ડમાં મગફળીની આવક શરૂ કરવામાં આવતાં જામનગર ઉપરાંત દેવભૂમિ દ્વારકા, પોરબંદર, મોરબી, રાજકોટ જિલ્લાના ખેડૂતો તેમના વાહનોમાં મગફળીનો જથ્થો ભરી લાંબી કતારો લગાવી છે, કેમ કે સવાર પછી ફરી યાર્ડમાં મગફળીની આવક બંધ કરાશે જેથી ખેડૂતો કે જેઓએ મગફળીના વેચાણ માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે તેવા ખેડૂતો પણ તેમનો જથ્થો ખૂલ્લા બજારમાં વેચાણ કરી રહ્યાં છે.