અમદાવાદના સાયન્સસિટીમાં પાંચ દિવસીય કાર્નિવલનો પ્રારંભ, વિવિધ કાર્યક્રમોનું આયોજન
અમદાવાદઃ દેશભરમાં આજે તા. 28મી ફેબ્રુઆરીના દિને ‘રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ’ની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે અમદાવાદ ખાતે આવેલી સાયન્સ સિટીમાં 28 ફેબ્રુઆરીથી 4 માર્ચ સુધી ‘સાયન્સ કાર્નિવલ-2023’નું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં સાયન્સ કાર્નિવલમાં રોજ સવારે 10 વાગ્યાથી 8 વાગ્યા સુધી વિવિધ કાર્યક્રમો યોજાશે. કાર્નિવલમાં પ્રતિદિન અંદાજિત 20 હજાર સ્ટુડન્ટ્સ ભાગ લઇ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. આ સાથે ચાર અન્ય રિજિનલ સાયન્સ સેન્ટર ઉપરાંત જિલ્લા સ્તરે 33 લોક વિજ્ઞાન કેન્દ્રો પર પણ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયુ છે.
ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનૉલોજી (GUJCOST) અને ગુજરાત સાયન્સ સિટીના સંયુક્ત ઉપક્રમે આજથી રાષ્ટ્રીય વિજ્ઞાનની ઊજવણીના ભાગરૂપે અમદાવાદના સાયન્સ સિટી ખાતે ‘સાયન્સ કાર્નિવલ -2023’નું આયોજન કરાયું છે. જે તા. 4થી માર્ચ સુધી ચાલશે. આ સાયન્સ કાર્નિવલમાં દરરોજ અંદાજિત 20 હજાર સ્ટુડન્ટ્સ ભાગ લઇ શકે તેવી વ્યવસ્થાઓ કરવામાં આવી છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, શહેરના સાયન્સ સિટી ખાતે 28 ફેબ્રુઆરીથી 4 માર્ચ સુધી દરરોજ સવારે 10 વાગ્યાથી રાતના 8 વાગ્યા સુધી વિવિધ કાર્યક્રમો જેમ કે, સાયન્સ મેજિક શો, સાયન્સ શો, સાયન્સ ગેમ્સ, સાયન્સ ડિસ્કશન્સ, સાયન્ટિફિક એક્ઝિબિશન, સાયન્સ બુક ફેર, લાઈટ એન્ડ સાઉન્ડ શો તેમજ 3D રંગોલી જેવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ સાથો-સાથ ચાર અન્ય રિજિનલ સાયન્સ સેન્ટર જેમ કે, પાટણ, ભાવનગર, ભૂજ, રાજકોટમાં પણ અલગ અલગ રીતે સ્થાનિક સ્તરો પર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત જિલ્લા સ્તરે 33 લોક વિજ્ઞાન કેન્દ્રો પર પણ વિવિધ કાર્યક્રમો યોજાશે.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં સાયન્સ એન્ડ ટેક્નોલોજી અને ઇનોવેશનના પ્રચાર-પ્રસાર માટે ખૂબ સારા પ્રમાણ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું ડેવલોપમેન્ટ કરવામાં આવ્યું છે. ગુજરાતમાં સાયન્સ સિટીમાં નેશનલ -ઈન્ટરનેશનલ કક્ષાના સાયન્સ પાર્ક બનાવવાની સાથે ચાર રિજિયોનલ સાયન્સ સેન્ટરનું કામ પૂરું થઇ ગયું છે. આ વર્ષે વધુ ચાર રિજિયોનલ સાયન્સ સેન્ટર બનાવવા જઇ રહ્યા છીએ. જેમાં સુરત, બરોડા, જામનગર અને જુનાગઢનો સમાવેશ થાય છે. તેની સાથે દરેક જિલ્લામાં જિલ્લા સ્તરનું સાયન્સ સેન્ટર તૈયાર કરવાની રાજ્ય સરકાર તરફથી મંજૂરી આપવામાં આવી છે, જેનું કામ પણ શરૂ થઇ ગયું છે. આમ, આવનારા દિવસોમાં સાયન્સ ક્ષેત્રમાં એક લહેર ગુજરાતમાં જોવા મળશે જેના કારણે યંગ જનરેશન સાયન્સ ક્ષેત્રમાં પોતાની કરિયર બનાવી શકશે.