ઓપરેશન કાવેરીઃ સુદાનમાંથી અત્યાર સુધીમાં 3000થી વધારે ભારતીયોને બહાર કાઢવામાં આવ્યાં
નવી દિલ્હીઃ સુદાનમાં ગૃહયુદ્ધની પરિસ્થિતિને પગલે અનેક ભારતીય સહિતના વિદેશી નાગરિકો ફસાયેલા છે. પોતાના દેશના નાગરિકોને બહાર નીકાળવા માટે પ્રયાસ શરૂ કરાયાં હતા. ભારતની મોદી સરકારે સુદાનમાં ફસાયેલા ભારતીયોને બહાર કાઢવા માટે ઓવરેશન કાવેરી શરૂ કર્યું છે. અત્યાર સુધીમાં ભારત સરકાર દ્વારા 3 હજારથી વધારે ભારતીયોને સુદાનમાંથી બહાર કાઢવામાં આવ્યાં છે.
ઓપરેશન કાવેરી અંતર્ગત હિંસાગ્રસ્ત સુદાન ખાતેથી ભારતીયોને સુરક્ષિત વતન લાવવામાં આવી રહ્યા છે. બે હજાર 400થી વધુ ભારતીયોને અત્યાર સુધીમાં સુરક્ષિત ભારત લાવવામાં આવ્યા છે. જેદ્દાહ ખાતેથી 186 ભારતીયોને લઇને વિમાન કોચ્ચી આવી પહોંચ્યું હતું. વિદેશ મંત્રાલયના જણાવ્યા મુજબ અંદાજે 3 હજાર ભારતીયો સુદાનથી બહાર આવી ચૂક્યા છે. બીજી તરફ122 ભારતીયોને લઇને વાયુસેનાનું વિમાન સુદાનથી જેદ્દાહ માટે રવાના થઇ ચૂક્યું છે. દરમિયાન આજે ઓપરેશન કાવેરી અંતર્ગત 230થી વધારે ભારતીયોને લઈને ફલાઈટ અમદાવાદ આવી હતી. અમદાવાદ એરપોર્ટ ઉપર આ ભારતીયોના ગુજરાતના ગ્રુહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સ્વાગત કર્યાં હતા.
હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, ભારતીય સેના દ્વારા રાતોરાત કામગીરી કરીને ભારતીયોને સુદાનમાંથી બહાર કાઢવાનું કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું હતું. રશિયા-યુક્રેન યુદ્ધ હોય કે સુદાન હોય, આપણી સેના અને સરકારે હંમેશાં સફળતાપૂર્વક પોતાના લોકોને બચાવીને તેમના સ્વજનો સુધી પહોંચાડ્યા છે. આજે 231 જેટલા ભારતીય મૂળના સુદાનવાસીઓ હેમખેમ અને સંપૂર્ણ સુરક્ષિત રીતે અમદાવાદ ખાતે લેન્ડ થયા છે. જેમાં 208 ગુજરાતી, 13 પંજાબના અને 10 રાજસ્થાનના લોકો છે.