નવી દિલ્હીઃ તુર્કી અને સિરિયામાં આવેલા ગોઝારા ભૂકંપમાં અત્યાર સુધીમાં 45 હજારથી વધારે લોકોના મોત થયાં છે. ભારત સહિત દુનિયાના મોટાભાગના દેશોએ મુશ્કેલીમાં મુકાયેલા તૂર્કી-સીરિયાની પ્રજાની મદદ માટે આગળ આવી હતી. એનડીઆરએફ અને તબીબોની ટીમ બંને દેશમાં રાહત કામગીરી માટે ગઈ હતી. ભારતીય બચાવ ટીમની પ્રશંસા તૂર્કી અને સિરીયાની પ્રજા તથા દુનિયાના વિવિધ દેશોએ કરી છે. એનડીઆરએફનું ઓપરેશન દોસ્ત પૂર્ણ થતા તૂર્કીની પ્રજા સન્માન સાથે આભાર વ્યક્ત કર્યો હતો.
ભૂકંપ અસરગ્રસ્ત તુર્કીમાં ભારતે રાહત બચાવ માટે ઓપરેશન દોસ્ત હાથ ધર્યું હતું. જે ગત રોજ સફળતા પૂર્વક પૂર્ણ થયું છે. ભારતીય એનડીઆરએફની ટીમ અને જવાનોની ટીમનો તુર્કી અને ત્યાંના સ્થાનિકો દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અને સન્માનમાં તાળીઓથી ટીમના સેવાના કાર્યને વધાવી લેવામાં આવી હતી.
આ ઓપરેશનની માહિતી આપતા વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિન્દમ બાગચીએ ટ્વીટ કરી જણાવ્યું છે કે 151 એનડીઆરએફની કર્મચારીઓ અને ડોગ બેડાની 3 ટીમોએ સરાહનિય કામગીરી કરી અનેક લોકોના જીવ બચાવ્યા છે. તો બીજી તરફ NDRF દ્વારા પણ ઓપરેશન દોસ્ત પૂર્ણ થતાં કર્મચારીઓના સ્વાગતના વીડિયો ટ્વીટર પર અપલોડ કરવામાં આવ્યા હતા. મહત્વનું છે કે તુર્કી-સિરીયામાં 6 ફેબ્રુઆરીએ આવેલા ભૂકંપને કારણે 45 હજારથી વધુ લોકોના મોત નિપજ્યાં છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, તૂર્કી-સિરીયામાં આવેલા ભૂકંપથી ભારે તબાહી સર્જાઈ હતી. ભૂકંપ બાદ ભારતે તાત્કાલિક જરુરી મદદની તૈયારીઓ દર્શાવી હતી. તેમજ અહીંથી એનડીઆરએફ અને તબીબોની ટીમો તથા જરૂરી દવા અને જરૂરી વસ્તુઓ મોકલવામાં આવી હતી.