Site icon Revoi.in

ભારતીયોને બચાવવા માટે શરૂ કરવામાં આવેલું ઓપરેશન ગંગા સફળ

Social Share

દિલ્હી:યુક્રેનના ખાર્કિવ (Kharkhiv) શહેરમાંથી લગભગ તમામ ભારતીયોને બહાર કાઢવામાં આવ્યા છે, જે એક સારા સમાચાર છે. યુક્રેનના (Ukraine) ખાર્કિવમાં ફસાયેલા લગભગ તમામ ભારતીયોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ શનિવારે આ માહિતી આપી. વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે હવે અમે જોશું કે હજુ પણ કેટલા ભારતીયો યુક્રેનમાં છે. તેમણે કહ્યું કે ભારતીય દૂતાવાસ એવા લોકોનો સંપર્ક કરશે જેઓ ત્યાં હોવાની શક્યતા છે, પરંતુ હજુ સુધી નોંધણી કરાવી નથી.

અરિંદમ બાગચીએ વધુમાં જણાવ્યું કે છેલ્લા 24 કલાકમાં 15 ફ્લાઈટ ભારત પહોંચી છે, જેમાં લગભગ 2900 ભારતીયોને બહાર કાઢવામાં આવ્યા છે. ‘ઓપરેશન ગંગા’ હેઠળ અત્યાર સુધીમાં લગભગ 13,300 ભારતીયોને લઈને 63 ફ્લાઈટ્સ ભારત પહોંચી છે.

યુક્રેનના પડોશી દેશોમાંથી રવિવારે 11 ફ્લાઈટ મારફતે 2200થી વધુ ભારતીયો વતન પરત ફરશે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે આ માહિતી આપી. મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે શનિવારે લગભગ 3000 ભારતીયોને 15 ફ્લાઇટ્સ દ્વારા ‘એરલિફ્ટ’ કરવામાં આવ્યા હતા. તેમાં 12 વિશેષ નાગરિક અને ભારતીય વાયુસેનાની ત્રણ ફ્લાઈટ્સનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે, રશિયાના હુમલા બાદ 24 ફેબ્રુઆરીથી યુક્રેનની એરસ્પેસ બંધ છે. યુક્રેનમાં ફસાયેલા ભારતીય નાગરિકોને તેના પડોશી દેશો મારફતે સ્વદેશ લાવવામાં આવી રહ્યા છે.