નવી દિલ્હીઃ યુક્રેનમાં યુદ્ધમાં ફસાયેલા ભારતીય નાગરિકોને બહાર કાઢવા માટે કેન્દ્ર સરકાર દ્વારા ઓપરેશન ગંગા શરૂ કરવામાં આવ્યું હતું. આ ઓપરેશન દરમિયાન અનેક મુશ્કેલીઓ ઉભી થઈ હોવાનું વિદેશ મંત્રી એસ.જયશંકરે રાજ્યસભામાં જણાવ્યું હતું. રાજ્યસભામાં વિદેશ મંત્રીએ ઓપરેશન ગંગા અંગે સભ્યોને જાણ કરી હતી. વિદેશ મંત્રાલયને અત્યાર સુધીમાં 13,000 થી વધુ કોલ અને ઈમેલ આવ્યા છે.
વિદેશ મંત્રી એસ. જયશંકરે રાજ્યસભામાં કહ્યું કે બચાવ અભિયાનની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયા અને યુક્રેનના રાષ્ટ્રપતિઓ સાથે ઘણી વખત વાત કરી. આ સિવાય રોમાનિયા, હંગેરી અને પોલેન્ડના પીએમ સાથે પણ વાત કરી. આ દેશોએ આપણા નાગરિકોને મદદ કરી હતી. જ્યારે યુદ્ધ શરૂ થયું ત્યારે 18,000 ભારતીયો યુક્રેનમાં હતા. અમે ભારતમાં વિદ્યાર્થીઓ અને તેમના પરિવારજનોનો સંપર્ક કર્યો હતો. વિદેશ મંત્રાલયને અત્યાર સુધીમાં 13,000 થી વધુ કોલ અને ઈમેલ આવ્યા છે.
વિદેશ મંત્રી એસ જયશંકરે રાજ્યસભામાં કહ્યું, ‘તણાવ વધતાં યુક્રેનમાં ભારતીય દૂતાવાસે જાન્યુઆરીમાં જ ચેતવણી જાહેર કરી હતી. મોટાભાગના ભારતીય નાગરિકો વિદ્યાર્થીઓ હતા. અડધાથી વધુ વિદ્યાર્થીઓ પૂર્વ યુક્રેનમાં હતા. 13 ફેબ્રુઆરીએ દૂતાવાસે એક એડવાઈઝરી જારી કરી હતી કે જેમને યુક્રેનમાં રહેવાની જરૂર નથી, તેઓ ત્યાંથી નીકળી જાય. તા 20 અને 22 ફેબ્રુઆરીએ એડવાઈઝરી જાહેર કરવામાં આવી હતી. પરિણામે, 23 ફેબ્રુઆરી સુધીમાં 4,000 વિદ્યાર્થીઓ નીકળી ગયા હતા. અમારા પ્રયત્નો છતાં, કેટલાક લોકોએ ત્યાં રહેવાનું પસંદ કર્યું હતું.
વિદેશ મંત્રી એસ.જયશંકરે રાજ્યસભામાં કહ્યું કે યુક્રેનમાં ફસાયેલા 20,000 ભારતીયોને બચાવવા માટે ‘ઓપરેશન ગંગા’ શરૂ કરવામાં આવ્યું હતું. ‘બચાવ ઓપરેશનમાં ઘણી મુશ્કેલીઓ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમગ્ર ઓપરેશન પર નજીકથી નજર રાખી હતી.