શ્રીનગર:જમ્મુ-કાશ્મીરના કુલગામમાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. સુરક્ષા દળોએ એન્કાઉન્ટરમાં બે આતંકીઓને ઠાર કર્યા છે. પોલીસે મંગળવારે જણાવ્યું હતું કે,સુરક્ષા દળોને કુલગામના અહવાટૂ વિસ્તારમાં આતંકવાદીઓની હાજરીની માહિતી મળી હતી, જેના પગલે ત્યાં ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું.
એડીજીપી કાશ્મીર વિજય કુમારે જણાવ્યું કે,ઘેરાયેલા પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના બે સ્થાનિક આતંકવાદીઓને સુરક્ષા દળોએ ઠાર માર્યા છે.બંને અનેક આતંકવાદી ઘટનાઓમાં સંડોવાયેલા છે.એકની ઓળખ મોહમ્મદ આસિફ વાની અને બીજાની ઓળખ મોહમ્મદ શફી ગની તરીકે થઈ છે.પોલીસે તેમની પાસેથી બે એકે-47 રાઈફલ અને દારૂગોળો જપ્ત કર્યો છે.
આ પહેલા સોમવારે પણ કુલગામમાં જ સુરક્ષા દળોએ એક આતંકીને ઠાર માર્યો હતો.બટપુરા ગામમાં આ અથડામણમાં બે નાગરિકો અને એક જવાન પણ ઘાયલ થયા છે.પોલીસે જણાવ્યું કે,માર્યા ગયેલા આતંકવાદીની ઓળખ જૈશ-એ-મોહમ્મદના અબુ હુરારા તરીકે થઈ છે.આતંકી પાકિસ્તાનનો રહેવાસી હતો.