Site icon Revoi.in

ધાનેરાની સરકારી હોસ્પિટલને ફાયર NOC ન હોવાથી ઓપરેશન થિયેટર સીલ કરાતા દર્દીઓ રઝળી પડ્યાં

Social Share

પાલનપુરઃ બનાસકાંઠા  જિલ્લાના ધાનેરા તાલુકાની રેફરલ હોસ્પિટલમાં ફાયર એનઓસી મુદ્દે નગરપાલિકા દ્વારા નોટિસ ફટકારવામાં આવી હતી. તાત્કાલિક ધોરણે ફાયરનાં સાધનો ઉપલબ્ધ કરી એન.ઓ.સી મેળવવા તાકીદે જાણ કરવામાં આવી હતી. જો કે નોટિસના અંતિમ દિવસે એનઓસી નહી મેળવતા ધાનેરા નગરપાલિકા દ્વારા ધાનેરાની સરકારી હોસ્પિટલનું ઓપરેશન થિયેટર સીલ કરી કડક કાર્યવાહી કરવામાં આવી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યમાં સરકારી હોસ્પિટલોમાં ફાયરસેફ્ટીને મુદ્દે હાઈકોર્ટ દ્વારા કડક વલણ અપનાવ્યું છે, ત્યારે આજે ધાનેરા રેફરલ હોસ્પિટલમાં ફાયર સેફટી ન હોવાના કારણે ધાનેરા નગરપાલિકાએ હોસ્પિટલમાં કાર્યવાહી કરી અને ઓપરેશન થીયેટર સીલ કરી દીધું છે. ધાનેરા તાલુકાનું સૌથી મોટું સરકારી હોસ્પિટલ છે જે રેફરલ હોસ્પિટલ ફાયરના સાધનોની કોઈ સુવિધા નથી અને અવારનવાર ધાનેરા નગરપાલિકા દ્વારા નોટિસ ફટકારી ફાયર એનઓસી મેળવવા તાકીદ કરવામાં આવી હતી. જો કે રેફરલ હોસ્પિટલના લાપરવાહ વહીવટના કારણે હજુ સુધી ધાનેરા રેફરલ હોસ્પિટલમાં ફાયર  એનઓસી  નથી મેળવાઇ અગાઉ પણ હોસ્પિટલમાં દસ વર્ષ પહેલા આગ લાગવાનો બનાવ બન્યો હતો તેમ છતાં સરકારી હોસ્પિટલનું નિષ્ક્રિય તંત્ર હજુ સુધી ફાયર સેફ્ટીના સાધનો ઉપલબ્ધ ના કરતાં ધાનેરા નગરપાલિકા દ્વારા તાત્કાલિક ધોરણે ઓપરેશન થિયેટર સીલ કરી કાર્યવાહી કરવામાં આવી છે.

ધાનેરાના સૌથી મોટા રેફરલ હોસ્પિટલમાં દિવસ દરમિયાન 500ની આસપાસ ઓપીડી રહેતી હોય છે. સતત દર્દીઓથી ઉભરાતા હોસ્પિટલમાં ફાયર સેફ્ટીના સાધનો નહી હોવાથી અનેક વાર નગરપાલિકા દ્વારા નોટિસ ફટકારી જાણ કરવામાં આવી હતી. પરંતુ સરકારી હોસ્પિટલ દ્વારા ફાયર NOC મેળવવાની તસ્દી લીધી નહોતી. સમગ્ર મામલે તંત્રને જાણ કરી છે અને જે હોસ્પિટલની રોગી સમિતિ છે તેમાં પણ જાણ કરી છે. જો કે નાણાંના અભાવે હજુ સુધી હોસ્પિટલમાં ફાયર સેફ્ટીના સાધનો નથી લાગ્યા. જેથી આજે નગરપાલિકા દ્વારા હોસ્પિટલના ઓપરેશન થિયેટરને સીલ કરી કાર્યવાહી કરવામાં આવી હતી.