દહેરાદૂન- ઉત્તરકાશીની સુરંગમાં છેલ્લા 10 દિવસથી કામદારો ફસાયા છે જેને બહાર કાઢવાનું અભિયાન તેજ બન્યું છે છેલ્લા બે દિવસ થી કામદારોને ભોજન પણ આપવામાં આવી રહ્યું છે ત્યારે હવે આ કર્યાની ગતિ વધારવામાં આવી છે.
સોમવારે સાંજે સુરંગમાં છ ઇંચની પાઇપ પણ નાખવામાં આવી હતી, જેના દ્વારા શ્રમિકોને પ્લાસ્ટિકની બોટલોમાં ખીચડી મોકલવામાં આવી હતી. અહીંથી તેમને સતત ખોરાક અને પાણી મોકલવામાં આવી રહ્યું છે.
સુરંગમાં અંદર કેમેરા પણ મોકલવામાં આવ્યા હતા જેના દ્વારા કામદારો પર નજર રાખવામાં આવી રહી છે અને વોકી ટોકી દ્વારા તેમની સાથે વાત કરવામાં આવી રહી છે અને તેમના પરિવારજનો સાથે પણ વાત કરવામાં આવી રહી છે જેથી તેમનું મનોબળ મજબૂત રહે.
જાણકારી મુજબ ઉત્તરકાશી ટનલમાં ફસાયેલા કામદારોના બચાવ કાર્યનો આજે 11મો દિવસ છે. ઓગર મશીન દ્વારા ટનલની અંદર ડ્રિલિંગ અને પાઇપ નાખવાનું કામ સતત ચાલી રહ્યું છે. 900 એમએમની પાઈપો જે શરૂઆતમાં ઓગર મશીનનો ઉપયોગ કરીને 22 મીટર સુધી નાખવામાં આવતી હતી, હવે ટેલિસ્કોપિક પદ્ધતિનો ઉપયોગ કરીને 800 એમએમની પાઈપો દ્વારા દબાણ કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં 36 મીટર પાઇપ નાખવામાં આવી છે.
આ સહિત ઓગર મશીન દ્વારા આખી રાત ડ્રિલિંગની કામગીરી ચાલુ રહી હતી. અત્યાર સુધીમાં 36 મીટર પાઇપ નાખવામાં આવી છે. બચાવ કાર્ય સાથે જોડાયેલા અધિકારીઓના જણાવ્યા અનુસાર જો બધુ બરાબર રહ્યું તો આગામી 35-40 કલાકમાં કામદારોને બહાર કાઢવામાં સફળતા મળી શકે છે. ટનલની બહાર એમ્બ્યુલન્સની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. સુરંગની બહાર 40 એમ્બ્યુલન્સ પહોંચી ગઈ છે.જેથી કામદારો બહાર આવે તો તાત્કાલિક મેડિકલ સુવિધા મળી રહે