Site icon Revoi.in

કાંકરિયા કાર્નિવલ અને ફલાવર શો દરમિયાન કોરોના ગાઈડ લાઈનનું પાલન કરાવવા વિપક્ષની માગ

Social Share

અમદાવાદઃ ભારતના પાડોશી દેશ ચીનમાં કોરોનાના કેસમાં થયેલા ચિંતાજનક વધારાને લીધે ભારતે પણ અગમચેતિ દાખવવા લોકોને અપિલ કરી છે. દેશના આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ઉચ્ચસ્તરિય બેઠક બોલાવ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સિથિતિની સમીક્ષા કરી હતી. જો કે ભારતમાં હજુ કોરોનાના કેસમાં ઉછાળો આવ્યો નથી અને સ્થિતિ સાવ સામાન્ય છે. એટલે કોઈ ચિંતા કરવાની જરૂર નથી પણ કોરોના સામે લોકોએ સ્વયંભૂ સાવચેતિ રાખવી જરૂરી છે. અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલ અને ફ્લાવર શોનું આયોજન કરાયું છે. જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડશે. ત્યારે કોરોનીની ગાઈડલાઈનનું પાલન કરાવવા વિપક્ષ કોંગ્રેસે માગણી કરી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ચીન સહિત અન્ય દેશોમાં કોરોનાના કેસો વધી રહ્યા છે. ત્યારે ભારતમાં પણ કોરોનાના કેસો વધે તેની શક્યતાના પગલે સરકાર દ્વારા લોકોને જાહેરમાં અને ભીડ એકઠી થતી હોય એવી જગ્યા પર માસ્ક પહેરવા અપીલ કરી છે ત્યારે અમદાવાદના કાંકરિયા ખાતે 25મી ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી કાંકરિયા કાર્નિવલ 2022 યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત જાન્યુઆરીના પહેલાં અઠવાડિયામાં રિવરફ્રન્ટ ખાતે ફલાવર શો પણ યોજાશે. કાર્નિવલમાં 25 લાખથી વધુ લોકો ભાગ લેશે. કોરોનાને ધ્યાનમાં રાખી વિપક્ષના નેતા શહેઝાદખાન પઠાણે કાંકરિયા કાર્નિવલ અને ફલાવર શો દરમિયાન કોરોનાની ગાઈડલાઈનનો ચુસ્તપણે અમલ કરવામાં આવે તેવી મેયરને પત્ર લખી માંગ કરી છે.

મ્યુનિના વિપક્ષી નેતાએ જણાવ્યું હતું કે કાંકરિયા કાર્નિવલ અને ફ્લાવર શો જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે અને ભીડ ભેગી થાય છે. ભીડના કારણે કોરોનાનું સંક્રમણ વધે તેવી શક્યતા હોય છે. હાલમાં વિશ્વના કેટલાક દેશોમાં જે રીતે કોરોના ફેલાઈ રહ્યો છે. આગામી દિવસોમાં જ્યારે કાંકરિયા કાર્નિવલ અને ફ્લાવર શો જેવા ભીડ થાય તેવા ઉત્સવોનું આયોજન મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યું છે. ત્યારે અમદાવાદમાં પણ લોકો કોરોનાનો ભોગ ન બને તેને ધ્યાનમાં રાખી મ્યુનિ. કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા કોરોના નું ગાઈડલાઈનનું પાલન ચુસ્તપણે થાય તેવી વ્યવસ્થા ગોઠવવાવી જોઈએ. દરમિયાન ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સી.આર. ખરસાણે જણાવ્યું હતું કે, 25મી ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી કર્યા કાર્નિવલ નું આયોજન કરવામાં આવ્યું છે. 25 ડિસેમ્બરના રોજ સાંજે 7 વાગ્યે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કાર્નિવલનું ઉદઘાટન કરવામાં આવશે. ગેટ નંબર 1, 2 અને 3 કુલ ત્રણ જગ્યાએ સાંસ્કૃતિક કાર્યક્રમોના સ્ટેજ રહેશે. રાજભા ગઢવી, વિજય સુવાળા, સાંઈરામ દવે, ભૌમિક શાહ, આદિત્ય ગઢવી સહિતના કલાકારો પોતાનું પરફોર્મન્સ કરશે. રાત્રે 10 વાગ્યે લેસર બીમ શો પણ યોજાશે. કાંકરિયા કાર્નિવલ દરમિયાન જુદા જુદા સ્થળોએ મેડિકલ ટીમ સહિતની મેડિકલવાનની વ્યવસ્થા કરવામાં આવી છે. વિખુટા પડી ગયેલા બાળકો માટે લોસ્ટ એન્ડ ફાઉન્ડેશનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. (file photo)