પીએમ મોદીને હરાવવા માટે વિપક્ષે પૈસા ભેગા કર્યાં છેઃ કેન્દ્રીય મંત્રી ગીરિરાજ સિંહનો દાવો
નવી દિલ્હીઃ કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ ધીરજ સાહુના ઘર અને વ્યવસાયના સ્થળો ઉપર આવકવેરા વિભાગે દરોડા પાડ્યો હતો. આ દરોડા દરમિયાન 350 કરોડથી વધારેની રોકડ રકમ મળી આવી હતી. જેને લઈને ભાજપ દ્વારા કોંગ્રેસ ઉપર ગંભીર આક્ષેપ કરીને અણિયારા પ્રશ્નોનો મારો શરુ કરવામાં આવ્યો છે. દરમિયાન કેન્દ્રીય મંત્રી ગીરિરાજ સિંહએ દાવો કર્યો હતો કે, આ તમામ પૈસા પીએમ નરેન્દ્ર મોદીને હરાવવા માટે એકત્ર કરવામાં આવ્યા હતા.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, હવે જોતા રહો ભાજપના તમામ ભ્રષ્ટાચારી ચહેરા સામે આવશે. આ પૈસા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને હરાવવા માટે એકત્ર કરવામાં આવ્યા છે. કોંગ્રેસના સાંસદ પાસેથી મળેલી રોકડ રકમ મામલે હજુ સુધી I.N.D.I.Aના કોઈ પાર્ટીનું નિવેદન આવ્યું નથી. અરવિંદ કેજરિવાલ ,સત્યેન્દ્ર જૈન, મમતા બેનર્જી, પાર્થ ચેટરજી કંઈ બોલી રહ્યાં નથી. આ ગઠબંધન પોત-પોતાના અપરાધોને છુપાવવા માટેનું છે.
આવકવેરા વિભાગે ઓડિશામાં કોંગ્રેસના નેતા ધીરજ સાહુના ધરે દરોડા પાડ્યા હતા. દારુ સહિત અનેક વ્યવસાય સાથે જોડાયેલા ધીરજ સાહુના વ્યવસાયના સ્થળો ઉપર પણ દરોડા પાડીને તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન લગભગ 351 કરોડની વધુની રોકડ રકમ મળી આવી હતી. કરોડોની રોકડ રકમ મળી આવતા અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યાં હતા. એટલું જ નહીં નોટો ગણતરી માટે લવાયેલા કેટલાક મશીનો બંધ પણ થઈ ગયા હતા. હજુ પણ દરોડાની કાર્યવાહી ચાલી રહી છે. આ મામલે ભાજપા દ્વારા કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કરવામાં આવી રહ્યાં છે.