Site icon Revoi.in

રાધનપુરમાં અલ્પેશ ઠોકોરને ટિકિટ આપવા સામે ભાજપમાં વિરોધ, સ્થાનિકને ટિકિટ આપવાની માગ

Social Share

પાટણ :  ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે દોઢ મહિના જેટલો સમય બાકી રહ્યો છે. તમામ રાજકીય પક્ષોએ ચૂંટણી પ્રચારનો જોરશોરથી પ્રારંભ શરૂ કરી દીધો છે. ત્યારે તાજેતરમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટિલે રાધનપુરની બેઠક પર ભાજપ દ્વારા અલ્પેશ ઠોકોરને ટિકિટ મળશે એવો ઈશારો કર્યો હતો. આથી રાધનપુર વિધાનસભા બેઠકનું રાજકારણ ગરમાયું છે. અને ઠાકોર સમાજમાં વિરોધ જાગ્યો છે. સ્થાનિક ભાજપમાં પણ બહારના વ્યક્તિને નહીં પણ સ્થાનિક વ્યક્તિને ટિકિટ આપવાની માગ ઊઠી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ રાધનપુરમાં વિધાનસભાની ચૂંટણી પહેલા જ જંગ જામ્યો છે. ગત વિધાનસભાની ચૂંટણીમાં રાધનપુરની બેઠક પરથી હારનાર અલ્પેશ ઠાકોરનો ભારે વિરોધ થઈ રહ્યો છે. ત્યારે રાધનપુર વિધાનસભા બેઠક પર અલ્પેશ ઠાકોરનો વિરોધ ચરમસીમાએ પહોંચ્યો છે. અલ્પેશ ઠાકોરના વિરોધમાં સ્થાનિક ધારાસભ્યો અને આગેવાનોનું બીજીવાર સંમેલન મળી રહ્યુ છે. પૂર્વ ધારાસભ્ય નાગરજી ઠાકોરે અલ્પેશ ઠાકોરના વિરોધમાં તીખી પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, અલ્પેશ ઠાકોર સામે અમારો વિરોધ છે. પરંતુ ભાજપ સામે કોઈ વિરોધ નથી. અલ્પેશ ઠાકોર ટિકિટ લઈને આવશે તો બીજી વાર હારશે. ભાજપ દ્વારા અલ્પેશ ઠાકોરને ટિકિટ અપાશે તો ભાજપ રાધનપુરની બેઠક ગુમાવશે તે નક્કી છે.

રાધનપુરમાં મહાસંમેલન યોજાશે. જેમાં ભાજપના વિરુદ્ધની કોઈ વાત નહિ થાય. અમારો એક જ મુદ્દો છે, કે સ્થાનિક ઉમેદવાર જોઈએ. અમારી માંગ સ્થાનિક ઉમેદવાર માટેની છે. કારણ કે, અલ્પેશ ઠાકોર જ્યારે આવે ત્યારે તેમની સેનાના 2000 માણસોને બોલાવે અને તેમને મળીને જતા રહે છે. તે વિસ્તારના આગેવાનોને પૂછતો નથી, તેમને ઓળખતો પણ નથી. પાંચ વર્ષોમાં કોઈ દિવસ ફોન કર્યો નથી. મરજીની જેમ વહેવાર કરે છે. હવે તેમણે રાજકારણ છોડી દીધું છે. હવે તો તેમણે કહ્યું કે, મારે રાધનપુરને પરણવુ છે. આ નિવેદન વાજબી ન ગણાય. પરણવાની વાત રાજકીય ન ગણાય, એ તો બહેન-દીકરીને પરણવાની વાત હોય તેવું લાગે. તેથી સમાજમાં તેમના પ્રત્યે રોષ છે. જેથી અમે આ સંમેલન બોલાવ્યું છે. તેમા ભાજપના વિરોધની કોઈ વાત જ નથી. અમે વર્ષોથી ભાજપના હતા, અને ભાજપના રહેવાના છીએ.