સસ્પેન્શન અંગે વિપક્ષી સાંસદોનું સંસદ પરિસરમાં ગાંધીજીની પ્રતિમા પાસે વિરોધ પ્રદર્શન
- સંસદ ભવનના મકર દ્વાર પર પણ કર્યો વિરોધ દેખાવો
- વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકાર સામે કર્યા સુત્રોચ્ચાર
- જગદીપ ધનખડની મિમિક્રી મામલે રાહુલ ગાંધીએ કંઈ બોલવાનો કર્યો ઈન્કાર
નવી દિલ્હીઃ સંસદમાં સુરક્ષા ચૂક મામલે રાજ્યસભા અને લોકસભામાં વિપક્ષના સાંસદોએ હંગામો મચાવ્યો હતો. દરમિયાન વિપક્ષના 141 જેટલા સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. જેના પગલે વિપક્ષમાં નારાજગી ફેલાઈ છે. દરમિયાન આજે સંસદના પરિસરમાં વિપક્ષના સાંસદોએ એકત્ર થઈને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની પ્રતિમાની મૂર્તિ પાસે વિરોધ પ્રદર્શન કર્યું હતું. તેમજ મોદી સરકાર ઉપર ગંભીર આક્ષેપ કર્યાં હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર સંસદમાં સુરક્ષામાં ગંભીર ચુક મામલે વિપક્ષના સાંસદોએ લોકસભા અને રાજ્યસભામાં ગૃહમંત્રી અમિત શાહના નિવેદનની માંગણી કરીને હંગામો મચાવ્યો હતો. જેથી બે દિવસમાં 141 સાંસદોને સસ્પેન્ડ કરાયાં હતા. દરમિયાન સસ્પેન્ડ કરાયેલા વિપક્ષના સાંસદોએ સંસદ ભવનના મકર દ્વાર ઉપર વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ ઉપરાંત મહાત્મા ગાંધીજીની પ્રતિમા પાસે એકત્ર થઈને લોકતંત્ર બચાવોના નારા સાથે વિરોધ નોંધાવ્યો હતો.
દરમિયાન રાજ્યસભાના સભાપતિ જગદીપ ધનખડની મિમિક્રી મામલે જ્યારે કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીને સવાલ કરવામાં આવ્યો ત્યારે તેમણે કંઈ પણ કહેવાનો ઈન્કાર કરાયો હતો. સંસદભવન જતા પૂર્વે પૂછવામાં આવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સભાપતિએ કહ્યું કે, 20 વર્ષથી મને ટાર્ગેટ કરવામાં આવે છે હવે આપને કરવામાં આવી રહ્યાં છે. આ અંગે રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, આ મુદ્દે મારે કંઈ કહેવુ નથી.