Site icon Revoi.in

મણિપુર મામલે લોકસભામાં વિપક્ષનો હંગામો, અમિત શાહે ચર્ચા માટે તૈયારી દર્શાવી

Social Share

નવી દિલ્હીઃ મણિપુર હિંસા મુદ્દે સોમવારે (24 જુલાઈ) સંસદના બંને ગૃહોમાં ભારે હોબાળો થયો હતો. આ મામલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં કહ્યું કે અમે આ અંગે ગૃહમાં ચર્ચા કરવા તૈયાર છીએ. ખબર નહીં કેમ વિપક્ષ ચર્ચા કરવા નથી માંગતો. તેમણે વધુમાં કહ્યું કે હું વિપક્ષને વિનંતી કરું છું કે આ મુદ્દા પર ચર્ચા થવા દો. દેશ આ સંવેદનશીલ મામલામાં સત્ય જાણે છે. હોબાળા વચ્ચે લોકસભાની કાર્યવાહી મંગળવારે (25 જુલાઈ) સવારે 11 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી.

સંસદના ચોમાસુ સત્ર દરમિયાન સોમવારે રાજ્યસભા અને લોકસભા બંનેમાં વિપક્ષી સાંસદોએ મણિપુર પર પીએમ મોદીના નિવેદનની માગણી કરતા સૂત્રોચ્ચાર કર્યા હતા. વિપક્ષના વિરોધ દરમિયાન, રાજ્યસભાના અધ્યક્ષે AAP સાંસદ સંજય સિંહને ચોમાસુ સત્રના બાકીના સમયગાળા માટે સસ્પેન્ડ કરી દીધા હતા. આ પહેલા રક્ષા મંત્રી રાજનાથ સિંહે લોકસભામાં કહ્યું હતું કે અમે સંસદમાં ચર્ચા માટે તૈયાર છીએ.

આ મામલે રાજ્યસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે અમે પણ ચર્ચા માટે તૈયાર છીએ. વડાપ્રધાને આ બાબતે પોતાની વાત રાખવી જોઈએ. જો 140 કરોડ લોકોના નેતા બહાર પ્રેસ સાથે વાત કરે છે અને 140 કરોડ લોકોના પ્રતિનિધિ અંદર બેઠા છે તો તમે (વડાપ્રધાન) પહેલા તમારું નિવેદન અંદર આપો, ત્યાર બાદ અમે નિર્ણય લઈશું. 3 મેના રોજ, મણિપુરમાં કુકી અને મીતેઈ સમુદાયો વચ્ચે અનામતની માંગને લઈને જાતિય હિંસા ફાટી નીકળી હતી. જેમાં અત્યાર સુધીમાં 160થી વધુ લોકોના મોત થયા છે. ગયા અઠવાડિયે મણિપુરની મહિલાઓની નગ્ન પરેડનો વીડિયો વાયરલ થયો હતો. જે બાદ સમગ્ર દેશમાં ગુસ્સો જોવા મળ્યો હતો.