તેલંગાણામાં ઓવૈસીની પ્રોટમ સ્પીકર તરીકેની નિમણુંકનો વિરોધ, કોંગ્રેસ ઉપર BJPના આકરા પ્રહાર
બેંગ્લોરઃ તેલંગાણાની નવી ચૂંટાયેલી સરકારે શનિવારે નવા સભ્યોને ધારાસભ્ય તરીકે શપથ લેવડાવવા માટે વિધાનસભા સત્ર બોલાવ્યું હતું. એઆઈએમઆઈએમના ધારાસભ્ય અકબરુદ્દીન ઓવૈસીને વિધાનસભાના સભ્યોને શપથ લેવડાવવા માટે તેલંગાણાના રાજ્યપાલ તમિલિસાઈ સુંદરરાજન વતી વચગાળાના સ્પીકર (પ્રોટેમ સ્પીકર) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેલંગાણા ભાજપે ઓવૈસીની નિમણૂકને લઈને વાંધો ઉઠાવ્યો છે અને આ અંગે રાજ્યપાલ તમિલિસાઈને પત્ર લખ્યો છે.
બીજેપીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ સરકારે અકબરુદ્દીન ઓવૈસીને આ પદ માટે એટલા માટે નોમિનેટ કર્યા કારણ કે તેમનો AIMIM સાથે તાલમેલ છે. તેમણે એવી પણ વિનંતી કરી હતી કે જ્યાં સુધી સૌથી વરિષ્ઠ સભ્ય (પ્રોટેમ સ્પીકર) ને સ્પીકર તરીકે નોમિનેટ કરવામાં ન આવે ત્યાં સુધી નવી રચાયેલી વિધાનસભા માટે નવા પૂર્ણ-સમયના અધ્યક્ષની પસંદગી કરવાની પ્રક્રિયાને રોકવા માટે સૂચનાઓ આપવામાં આવે. તેમણે માગણી કરી હતી કે, જ્યારે ઓવૈસી પ્રોટેમ સ્પીકર હતા ત્યારે વિધાનસભા અધ્યક્ષની ચૂંટણી ન થવી જોઈએ.
રાજ્યપાલને લખેલા પત્રમાં ભાજપે કોંગ્રેસ સરકારના નિર્ણયને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યો છે અને કહ્યું છે કે નવી ચૂંટાયેલી વિધાનસભાની શરૂઆતમાં જ પ્રક્રિયા, પ્રોટોકોલ અને દાખલાઓનું ઘોર ઉલ્લંઘન થઈ રહ્યું છે. બંધારણના અનુચ્છેદ 188ને ટાંકીને ભાજપે કહ્યું કે, વિધાનસભામાં વર્ષોની સંખ્યાના આધારે વરિષ્ઠ સભ્યનું નામ પ્રોટેમ સ્પીકર તરીકે હોવુ જોઈએ. વિધાનસભામાં એવા ઘણા સભ્યો છે જેઓ અકબરુદ્દીન ઓવૈસીથી વરિષ્ઠ છે, પરંતુ નિર્ધારિત ધોરણોનું પાલન કરવાને બદલે સરકારે ઓવૈસીને પ્રોટેમ સ્પીકર તરીકે નિયુક્ત કરવાનો નિર્ણય લીધો.
ભાજપે કહ્યું હતું કે, કોંગ્રેસ સરકાર જાણી જોઈને નિયમોનું ઉલ્લંઘન કરી રહી છે અને તુષ્ટિકરણની રાજનીતિને પ્રોત્સાહન આપી રહી છે. રાજ્ય ભાજપે રાજ્યપાલને અકબરુદ્દીન ઓવૈસીને પ્રોટેમ સ્પીકર તરીકે નોમિનેટ કરવાના નિર્ણયને રદ કરવા વિનંતી કરી કારણ કે તે નિયમોનું ઘોર ઉલ્લંઘન છે. ઉપરાંત, ગૃહના સૌથી વરિષ્ઠ સભ્યની નિમણૂક માટે સૂચનાઓ આપવી જોઈએ, પછી ભલે તે કોઈપણ પક્ષનો હોય. આમ ન કરવા પર, ભાજપે સ્પષ્ટ કર્યું કે જો તેમની માંગનો અમલ કરવામાં નહીં આવે તો તેઓ નિયમોનું ઉલ્લંઘન કરીને નિમણૂક કરાયેલ વ્યક્તિની સામે શપથ લેશે નહીં.