Site icon Revoi.in

રેલવેના ટિકિટ રિઝર્વેશનમાં ડેસ્ટિનેશનનું સરનામું ફરજિયાત લખાવવાના નિયમનો વિરોધ

Social Share

અમદાવાદઃ શહેરના તમામ રેલવે સ્ટેશન પર રિઝર્વેશન ટિકિટ લેવા જતા પેસેન્જરો માટે રિઝર્વેશન ફોર્મમાં જ્યાં જતા હોય તે ડેસ્ટિનેશનનું સરનામું ફરજિયાત લખાવવામાં આવે છે. બીજી બાજુ ઓનલાઈન આઈઆરસીટીસીની વેબસાઈટ પરથી રિઝર્વેશન ટિકિટ લેતી વખતે ડેસ્ટિનેશનનું સરનામું લખવું અનિવાર્ય નથી. આ પરિસ્થિતિમાં રિઝર્વેશન ફોર્મમાં સરનામું લખવામાં સમય લાગવાના કારણે ટિકિટ બારી ખુલે ત્યારે ટિકિટ લેતી વખતે મોટાભાગના પેસેન્જરોને કન્ફર્મ ટિકિટ મળતી નથી.

સૂત્રોના જણાવ્યા મુજબ કોરોના સંક્રમણ શરૂ થયા બાદ રેલવે દ્વારા સ્ટેશન પરથી લેવામાં આવતી રિઝર્વેશન ટિકિટ વખતે કર્મચારીઓ દ્વારા રિઝર્વેશન ફોર્મમાં પેસેન્જર ક્યાં જવાનો છે તેનું સરનામું ફરજિયાત લખાવાય છે. ટિકિટ બારી પર પેસેન્જરને સરનામું લખવામાં એકથી બે મિનિટનો સમય લાગે છે. ત્યારબાદ કર્મચારી આ સરનામું કમ્પ્યૂટરમાં ફિડ કરે છે. જેમાં બીજી એકથી બે મિનિટનો સમય બગડતા એક ટિકિટ પાછળ 3થી 5 મિનિટનો સમય લાગે છે. સવારે 8 વાગે ટિકિટ બારી શરૂ થાય ત્યારે તેમજ સવારે 10 વાગે તત્કાલ ટિકિટ બુકિંગ શરૂ થાય ત્યારે ટિકિટ બુક કરવામાં લાગતા આ સમયના કારણે પેસેન્જરોને કન્ફર્મ ટિકિટ મળતી નથી. ઓનલાઈન ટિકિટ બુક કરતી વખતે ડેસ્ટિનેશનનું સરનામું લખવામાં આવતુ નથી. જેથી પેસેન્જરો સિસ્ટમમાં ઝડપથી માહિતી ફિડ કરી દેતા એકથી બે મિનિટમાં તેની ટિકિટ બુક થઈ જાય છે.

રિઝર્વેશન ફોર્મમાં ફરજિયાત કોલમ ન હોવા છતાં પેસેન્જરો પાસે ડેસ્ટિનેશનનું સરનામું અલગથી લખાવવામાં આવે છે જેના કારણે ઘણીવાર તેઓ કન્ફર્મ ટિકિટથી વંચિત રહી જાય છે. આ વિશે પૂછવામાં આવતા અધિકારીઓએ જણાવ્યું હતું કે, ટ્રેનમાં મુસાફરી દરમિયાન જો કોઈ પેસેન્જરને કોરોનાનું સંક્રમણ જણાય તો તેની સાથે કોચમાં મુસાફરી કરતા અન્ય પેસેન્જરોને પણ ટ્રેક કરી તેમને આઈસોલેટ કરવા માટે જણાવી શકાય તે ઉદ્દેશ્ય સાથે સરનામું લખાવવામાં આવે છે. સ્ટેશન પર રિઝર્વેશન ટિકિટ લેતી વખતે કર્મચારીઓ દ્વારા પેસેન્જરને ડેસ્ટિનેશનનું સરનામું લખવા જણાવવામાં આવે છે. ત્યારે પોતે ક્યાં જઈ રહ્યા છે તે જાહેર ન કરવા માગતા પેસેન્જરો સાથે ઘણીવાર ટિકિટ કાઉન્ટર પર વિવાદ પણ થાય છે. આવા કિસ્સામાં વધુ વિવાદ ન થાય તે માટે કર્મચારીઓ સરનામાનો વિકલ્પ સ્કીપ કરી દે છે અથવા ડમી સરનામું લખી ટિકિટ બુક કરી આપે છે.