- યુરોપિયન દેશોમાં વોટ્સએપની નીતિનો વિરોધ
- વોટ્સએપની ડેટા પ્રાઈવસી નીતિનો વિરોધ
- ભારતમાં પણ ડેટા પ્રાઈવસી બન્યો હતો ચર્ચાનો વિષય
નવી દિલ્લી: વોટ્સએપની નવી ડેટા પ્રાઈવસી પોલીસીનો વિરોધ હવે યુરોપીયન કન્ઝ્યુમર ઓર્ગેનાઈઝેશન અને અન્ય આઠ સભ્યોએ વિરોધ કર્યો છે. યુરોપીયન કન્ઝ્યુમર ઓર્ગેનાઈઝેશન અને તે સિવાયના આઠ સભ્યોએ વોટ્સએપની સામે યુરોપીયન સંઘ સમક્ષ ફરિયાદ કરી છે.
જો વાત કરવામાં આવે યુરોપમાં વોટ્સએપની ડેટા પ્રાઈવસી પોલીસીની તો તેને ગત જાન્યુઆરીમાં વોટ્સએપ દ્વારા લાગુ કરવામાં આવી હતી. આમાં વોટ્સએપના ડેટા ફેસબુકને શેર કરવાની છૂટ મળી હતી અને તેનો છૂટોછવાયો વિરોધ થયો હતો. જો કે હવે મામલો યુરોપીયન સંઘ સુધી પહોંચ્યો છે.
યુરોપીયન કન્ઝ્યુમર ઓર્ગેનાઈઝેશન અને તે સિવાયના આઠ સભ્યોએ નવી પ્રાઈવસી પોલિસી મુદ્દે વોટ્સએપની ઝાટકણી કાઢી હતી અને તે ગેરવાજબી ગણાવી હતી.
ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે વોટ્સએપ ગ્રાહકોને નવી પ્રાઈવસી પોલિસી લાગુ કરવાનું દબાણ કરે છે. વારંવાર નોટિફિકેશનથી કંટાળીને યુઝર્સ એ પોલિસી સ્વીકારી લે તેવો માહોલ વોટ્સએપ બનાવે છે. વારંવાર નોટિફિકેશન આપીને કોઈ પોલિસી સ્વીકારવાનું દબાણ કરવું તે પસંદગીના અધિકારનો ભંગ છે. સભ્યોએ તેને ગેરકાયદે વ્યાપારી પ્રવૃત્તિ ગણાવીને યોગ્ય પગલાં ભરવાનું કહ્યું હતું.
બીજી તરફ ફેસબુકે કહ્યું હતું કે યુરોપીયન સંઘના સભ્યોએ આ બાબતે ખોટો અર્થ તારવ્યો છે. કંપનીનો એવો કોઈ હેતુ નથી. ગ્રાહકોને સારી સર્વિસ આપવા માટે પ્રાઈવસી પોલિસીમાં ફેરફાર કરાયો છે.
નોંધનીય છે કે ભારતમાં પણ વોટ્સએપની નવી પ્રાઈવસી પોલિસી મુદ્દે ભારે વિવાદ સર્જાયો છે. એક તબક્કે તો વોટ્સએપે નવી પ્રાઈવસી પોલિસી ન સ્વીકારનારાના એકાઉન્ટ બંધ કરી દેવાના નોટિફિકેશન આપ્યા હતા, જેના કારણે અસંખ્ય લોકોએ પોલિસી સ્વીકારી હતી. એવું જ હવે યુરોપીયન દેશોમાં પણ થઈ રહ્યું હોવાથી વ્યાપકપણે ફરિયાદ ઉઠી છે.
જો વાત કરવામાં આવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મની તો હાલ ભારત સરકાર અને ટ્વિટર વચ્ચે પણ કેટલીક મહત્વની વાતોને અને નવા નિયમોને લઈને ચર્ચા ચાલી રહી છે.