રાજ્યસભામાં PM મોદીના સંબોધન વચ્ચે વિપક્ષનું વોકઆઉટ, અધ્યક્ષે વોકઆઉટની નિંદા કરી
નવી દિલ્હીઃ બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાષણ દરમિયાન કોંગ્રેસની આગેવાની હેઠળના વિપક્ષી ગઠબંધન ‘ઈન્ડી’ના ઘટકોએ રાજ્યસભામાંથી વોકઆઉટ કર્યું હતું. તેમની માંગ એવી હતી કે, વડાપ્રધાનના સંબોધન દરમિયાન વિપક્ષના નેતાને હસ્તક્ષેપ કરવાની મંજૂરી આપવી જોઈએ નહીં. વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે સંસદના સંયુક્ત સત્રમાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન પીએમ મોદીના જવાબ વખતે હસ્તક્ષેપ કરવા માંગતા હતા. જોકે, સભાપતિ જગદીપ ધનખરે તેને ફગાવી દીધી હતી. આ પછી, ઈન્ડિ ગઠબંધનના સાંસદોએ સૂત્રોચ્ચાર કર્યા હતા અને વિપક્ષના નેતાને બોલવા દેવાની માંગ કરી હતી.
પીએમ મોદીએ સૂત્રોચ્ચાર વચ્ચે પોતાનું ભાષણ ચાલુ રાખ્યું હતું. થોડો સમય આવું ચાલતું રહ્યું અને ખડગે વારંવાર બોલવા દેવાની વિનંતી કરતા રહ્યા હતા. જ્યારે પરવાનગી આપવામાં આવી ત્યારે ઈન્ડિ ગઠબંધનના સાંસદોએ ગૃહમાંથી વોકઆઉટ કર્યું. ધનખરે તેમના વોકઆઉટની નિંદા કરતા કહ્યું કે, તે બંધારણનું અપમાન છે. મોદીએ વોકઆઉટની પણ નિંદા કરી અને કહ્યું કે, તેઓ તેમની સરકારની કામગીરીનો હિસાબ આપવા માટે બંધાયેલા છે.
રાજ્યસભાના અધ્યક્ષ અને ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે, મેં તેમને વિનંતી કરી કે જો વિપક્ષના નેતાને કોઈપણ અવરોધ વિના બોલવા માટે પૂરતો સમય આપવામાં આવે તો પીએમને પણ ધ્યાનથી સાંભળવામાં આવે. પરંતુ આજે તેમણે ગૃહને પાછળ છોડ્યું નથી, તેમણે ગૌરવને પાછળ છોડી દીધું છે. આજે તેમણે મારા તરફ પીઠ ફેરવી નથી, તેમણે ભારતના બંધારણ સામે પીઠ ફેરવી છે. તેમણે મારું કે તમારું અપમાન નથી કર્યું, તેમણે બંધારણના શપથનું અપમાન કર્યું છે. ભારતના બંધારણનું આનાથી મોટું અપમાન કોઈ હોઈ શકે નહીં. હું તેમના આચરણની નિંદા કરું છું. આ એક એવો પ્રસંગ છે જ્યાં તેમણે ભારતીય બંધારણને પડકાર ફેંક્યો છે. તેમણે ભારતીય બંધારણની ભાવનાનું અપમાન કર્યું છે, તેમણે લીધેલા શપથનો અનાદર કર્યો છે. ભારતીય બંધારણ તમારા હાથમાં પકડવાની વસ્તુ નથી, તે જીવવા માટેનું પુસ્તક છે. હું આશા રાખું છું કે તેઓ આત્મનિરીક્ષણ કરશે અને ફરજના માર્ગને અનુસરશે.
પીએમ મોદીએ કહ્યું કે, દેશ જોઈ રહ્યો છે કે જૂઠ ફેલાવનારાઓમાં સત્ય સાંભળવાની તાકાત પણ નથી. જે લોકોમાં સત્યનો મુકાબલો કરવાની હિંમત નથી, તેઓમાં આટલી ચર્ચા કર્યા પછી પોતે ઉભા થયેલા પ્રશ્નોના જવાબો સાંભળવાની હિંમત નથી. તેઓ ઉપલા ગૃહનું અપમાન કરી રહ્યા છે. દેશની જનતાએ તેમને દરેક રીતે એટલા પરાજીત કર્યાં છે કે, હવે તેમની પાસે શેરીઓમાં ચીસો પાડવા સિવાય કંઈ બચ્યું નથી. સૂત્રોચ્ચાર, હોબાળો અને મેદાનમાંથી ભાગવું… આ તેમના નસીબમાં લખાયેલું છે.