Site icon Revoi.in

વરસાદને લઈને દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ અને મધ્ય ગુજરાતમાં યલો એલર્ટ

Social Share

અમદાવાદઃ દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે અને સુરત, ડાંગ, નવસારી તથા વલસાડમાં વરસાદ વરસી રહ્યો છે. લાંબા વિરામ બાદ મેઘરાજાની પધરામણી થતા જગતનો તાત ખેડૂતમાં ખુશી ફેલાઈ છે. દરમિયાન વરસાદને લઈને દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ અને મધ્ય ગુજરાતમાં યલો એલર્ટ અપાયુ હોવાનું જાણવા મળે છે.

  હવામાન વિભાગે ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદી હોલ યથાવત રહેવાની આગાહી કરી છે. વરસાદને લઇને કેટલાક વિસ્તારમાં ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરાયુ છે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી કરી છે અને ઓેરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ સહિત દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ જાહેર કરાયું છે. ભરૂચ સહિત વડોદરા, છોટાઉદેપુર, દાહોદમાં ભારે વરસાદ વરસી શકે છે. મહત્વપૂર્ણ છે કે પાછલા 2 દિવસથી દક્ષિણ ગુજરાત સહિત મધ્ય ગુજરાતમાં મેઘો મન મુકીને વરસી રહ્યો છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતના અનેક જિલ્લામાં મેઘ મહેર જોવા મળી રહી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં છેલ્લા બે-ત્રણ દિવસથી વરસાદી માહોલ છવાયેલો છે. વલસાડ જિલ્લામાં અને તેના ઉપરવાસમાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદને પગલે જિલ્લાના મધુબન ડેમમાં પાણીની જોરદાર આવક નોંધાઇ છે. મધુબન ડેમમાં દર કલાકે 65,380 ક્યૂસેક પાણીની આવક થઇ રહી છે. મધુબન ડેમમાં પાણીની આવકમાં વધારો થવાના પગલે ડેમની જળસપાટી વધીને 78.60 મીટરે પહોંચી છે. ત્યારે ડેમનું જળસ્તર જાળવી રાખવા તંત્ર દ્વારા 8 દરવાજા 1 મીટર ખોલવામાં આવ્યા છે.