Site icon Revoi.in

ઉત્તર-મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ઓરેન્જ-યલો એલર્ટ

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં વરસાદી માહોલ પછી હવે આગ ઓકતી ગરમી પડી રહી છે. ગુજરાતમાં હાલ પશ્ચિમથી ઉત્તર પશ્ચિમના પવનો ફૂંકાઇ રહ્યા છે. જેના કારણે રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધી રહ્યાનું હવામાન વિભાગે જણાવ્યુ છે. આ સાથે હવામાન વિભાગે આજે કેટલાક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યુ છે. સાથે કેટલાક વિસ્તારોમાં બે દિવસ વોર્મ નાઇટની પણ ચેતવણી આપવામાં આવી છે.

હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક, રામાશ્રય યાદવે ગુજરાતમાં પાંચ દિવસના હવામાન અંગેની આગાહી કરી છે. આગામી ચાર દિવસ માટે રાજ્યના અનેક જિલ્લાઓમાં હીટવેવની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે જ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ઓરેન્જ એલર્ટ તથા યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, ગરમીનો પારો સતત વધી રહ્યો છે. મોટા ભાગના જિલ્લામાં મહત્તમ તાપમાન 45 ડિગ્રી આસપાસ રહ્યું હતું. ત્યારે આજે પણ ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, મધ્ય ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર અને સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર સહિતના જિલ્લાનું મહત્તમ તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતાઓ છે. જેમ જેમ દિવસ પસાર થશે તેમ શરીર દઝાડતી ગરમી પડશે. છેલ્લા 24 કલાક દરમિયાન મહત્તમ તાપમાન 44.9 જ્યારે લઘુતમ 31.2 ડિગ્રી નોંધાયું હતું. મહત્ત્વનું છે કે, 44.9 ડિગ્રી એ આ સિઝનની સૌથી વધુ ગરમી નોંધાઈ છે.

એક તરફ ગરમીને કારણે ગુજરાતમાં અનેક લોકોના ગભરામણ થવાથી તેમજ શ્વાસ ન લેવાની તકલીફથી મોત નીપજ્યાં છે. વડોદરા અને સુરતમાં છેલ્લા બે દિવસમાં ગરમીને કારણે 13 લોકોનાં મોત નીપજ્યા છે. તેથી બપોરના સમયે બહાર ન નીકળવું હિતાવહ રહેશે. સામાન્ય રીતે કહેવામાં આવે છે કે, બપોરના 12:00 વાગ્યાથી 4:00 વાગ્યા દરમિયાન બહાર ન નીકળવું, પરંતુ અમદાવાદ સહિત આસપાસના વિસ્તારમાં રાત્રે 8:00 વાગ્યા સુધી પણ મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહે છે. રાત્રે પણ ગરમ લૂ જેવા પવનો ફૂંકાતા હોય છે, તેને કારણે પણ હીટસ્ટ્રોકની અસર થઈ શકે છે.

ઉલ્લેખનીય છે કે, છેલ્લા 24 કલાક દરમિયાન મહત્તમ તાપમાન 44.9 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું. જ્યારે લઘુતમ તાપમાન 31.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. ત્યાર બાદ વહેલી સવારથી જ તાપમાન સવારે 8:00 વાગ્યા સુધીમાં 33 ડિગ્રી સેલ્સિયસ નોંધાયા બાદ સવારે 10:00 વાગ્યા સુધીમાં ત્રણ ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં વધારો થઇને 36 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. બપોરના 12:00 વાગ્યાથી જ મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી વધુ રહેવાની શક્યતાઓ છે. તેના 3 કલાક બાદ એટલે કે બપોરે 3:00 વાગે શહેરનું મહત્તમ તાપમાન 44 ડિગ્રી સેલ્સિયસથી વધુ રહેશે.

આ તાપમાનમાં વધારો થઇને સાંજે 4:00 વાગ્યા સુધીમાં 45 ડિગ્રી સેલ્સિયસ તાપમાન પહોંચશે. સાંજના 6:00 વાગ્યા સુધી યથાવત્ રહેશે. ત્યાર બાદ સૂર્યાસ્ત થતા તાપમાનમાં ઘટાડો થઈને સાંજે 7:00 વાગ્યા દરમિયાન 42 ડિગ્રી સેલ્સિયસ અને રાત્રે 9:00 વાગ્યે 40 ડિગ્રી સેલ્સિયસ તાપમાન રહ્યા બાદ રાત્રે 11:00 વાગ્યે શહેરનું મહત્તમ તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસ પહોંચશે.