અમદાવાદઃ ગુજરાતમાં કોવીડના કેસમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા સરકારી હોસ્પિટલોમાં બેડની સંખ્યામાં પણ વધારો કરવામાં આવી રહ્યો છે. આવી સ્થિતિમાં વધારાના તબીબોની આવશ્યકતા ઊભી થઈ છે. આ બાબતને ધ્યાનમાં લઈ રાજ્યના આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરેએ રાજ્યની સરકારી મેડિકલ કોલેજોના અને જીએમઈઆરએસ મેડિકલ કોલેજના બોન્ડેડ ઉમેદવારોને ફરજિયાતપણે તાત્કાલિક હાજર થવાનો આદેશ કર્યો છે. આ આદેશ મુજબ રાજ્યની સરકારી મેડિકલ કોલેજોના ૫૧૩, રાજ્યની સરકારી મેડિકલ કોલેજોના ૧૩૬ તથા રાજ્યની જી.એમ.ઈ.આર.એસ. મેડિકલ કોલેજના ૫૯૩ ઉમેદવારોને તબીબી અધિકારી વર્ગ -૨ તરીકે અપાયેલી નિમણૂંકના સંદર્ભે હાજર થવા માટેનો હુકમ કરવામાં આવ્યો છે.
રાજ્યના તબીબી શિક્ષણ અમને સેવાઓના કમિશનર જયપ્રકાશ શિવહરેએ કરેલા હુકમ અનુસાર કોરોનાના દર્દીઓની સારવાર માટે તબીબોની ઘટ વર્તાઈ રહી છે અને તાકીદની પરિસ્થિતિમાં તબીબોની તીવ્ર જરુરીયાત છે. જે સંદર્ભે આ આદેશ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં કોવીડના કેસમાં અસાધારણ વધારો થતા કુશળ તબીબોની જરુરિયાત ઉભી થઈ છે ત્યારે રાજ્ય સરકારે તે માટે શ્રેણીબદ્ધ પગલાઓ લીધા છે. આ આદેશ મુજબ બોન્ડેડ તબીબો તેમની નિમણુંકના સ્થળે હાજર ન થાય તો તમામ જિલ્લા કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનરને એપેડેમિક એક્ટની કલમ-૩ની જોગવાઈ હેઠળ કાર્યવાહી હાથ ધરવા માટેની સૂચના આપવામાં આવી છે